રિપોર્ટ@મહેસાણા: બસનાં કંડક્ટરે રૂ.3 લાખનો ચાર તોલા સોનાનો સેટ મુસાફરને પરત કર્યો

મહિલા એસટી કંડક્ટરે પ્રમાણિકતાનાં દર્શન કરાવ્યાં
 
રિપોર્ટ@મહેસાણા: બસનાં કંડક્ટરે રૂ.3 લાખનો ચાર તોલા સોનાનો સેટ મુસાફરને પરત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  બહુચરાજી એસટી ડેપો સંચાલિત બપોરે 3 વાગ્યાની બહુચરાજી-મહેસાણા રૂટની બસનાં કંડક્ટર નેહાબેન સેનવાને રૂ.3 લાખનો ચાર તોલા સોનાનો સેટ મળી આવ્યો હતો. જે મુસાફરને પરત કરી પ્રમાણિકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

બહુચરાજી તાલુકાના અાદીવાડા ગામના પટેલ હાર્દિકભાઇ અમૃતલાલ 26 એપ્રિલના રોજ બહુચરાજી-મહેસાણા રૂટની બસમાં બેસી મહેસાણા ખાતે મોઢેરા ચોકડી ઉતર્યા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલી થેલી બસમાં જ ભૂલી ગયા હતા. આ થેલીમાં અંદાજે રૂ.ત્રણ લાખની કિંમતનો ચાર તોલા સોનાનો સેટ હતો. જે સેટ ફરજ પરનાં કંડક્ટર નેહાબેન કે. સેનવાને મળી આવ્યો હતો. કંડક્ટરે તેમને મળી આવેલો સોનાનો સેટ ડેપોમાં જમા કરાવ્યો હતો.

બીજી બાજુ, હાર્દિકભાઇ પટેલે પોતાના ખોવાયેલા સેટ અંગે બહુચરાજી ડેપોમાં ટેલીફોનીક વાતચીત કરતાં ડેપો મેનેજર મનિષાબેન ચાવડા અને ટીઆઇ બાબુલાલ ચૌધરીએ તેની ખરાઇ કર્યા બાદ ડેપોમાં બોલાવી સેટ પરત કર્યો હતો. ડેપોનાં આ નિષ્ઠાવાન કર્મચારી નેહાબેનનો સેટના માલિકે આભાર વ્યક્ત કર્યો હતો.