રિપોર્ટ@મહેસાણા: બસ ચાલકે ઓચિંતી બ્રેક મારતા વૃદ્ધ સીટમાંથી ઉછળી રોડ પર પટકાતા મોત નીપજ્યું

સમગ્ર મામલે બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બનતા મૃતકના પત્નીએ બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
 
રિપોર્ટ@મહેસાણા: બસ ચાલકે ઓચિંતી બ્રેક મારતા બસમાં સવાર વૃદ્ધ સીટમાંથી ઉછળી રોડ પર પટકાતા મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. મહેસાણા જિલ્લાના ખેરાલુ સતલાસણા હાઇવે પરથી સરકારી બસ પસાર થઈ રહી હતી. એ દરમિયાન કેસરપુરા પાટિયા નજીક બસ આગળ કાર આવી જતા બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી. જેથી બસમાં સીટમાં બેસેલા વૃદ્ધ સીધા રોડ પર પટકાયા હતા. જેને પગલે વૃદ્ધને ગંભીર ઈજા થતાં 108 મારફતે ખેરાલુ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે મૃતકના પત્નીને બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના 66 વર્ષીય દવે જયશ્રી બેન પતિ મુકેશભાઈ સાથે સુરત થી ખાનગી ટ્રાવેલ્સમાં અંબાજી દર્શન કરવા આવ્યા હતાં. દર્શન કર્યા બાદ તેઓને અમદાવાદ સબંધીનાં ઘરે જવાનું હોવાથી અંબાજી-વાઘોડિયા બસમાં GJ18Z8949માં બેઠા હતા. જેમાં દંપતી કંડક્ટરની સીટ પાછળ બેસેલા હતા. બસ અંબાજી થી રવાના થઈ હતી. આ દરમિયાન મુસાફરોને ચડવા ઉતરવા માટે આગળનો દરવાજો ચાલુ બસમાં ખુલ્લો હતો.

આ દરમિયાન ખેરાલુ-સતલાસણા હાઇવે પર કેશરપુરા પાટિયા પાસે બસની સામે એક ગાડી આવી જતા બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી. જેથી સીટમાં બેસેલા મુકેશભાઈ ઉછળી બસના દરવાજે અથડાયા હતા. દરવાજો ખુલ્લો હોવાથી તેઓ ચાલુ બસે રોડ પર પટકાયા હતા. આ જોઈ બસ ચાલકે બસ સાઈડમાં કરી તપાસ કરતા તેઓને માથાના ભાગે અને પગે ગંભીર ઈજાઓ થઈ હતી.

સમગ્ર મામલે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને સારવાર માટે ખેરાલુ સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બનતા મૃતકના પત્નીએ બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.