રિપોર્ટ@મહેસાણા: કેનાલનું કામ 6 મહિનાથી અધૂરું હોવાના કારણે રહીશો ત્રાસી ગયાં
રહીશો ત્રાસી ગયાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મહેસાણાના કસ્બા વિસ્તારમાં ચોકની લીમડીથી આંબેડકર ચોક સુધી વરસાદી પાણી નિકાલની અંડરગ્રાઉન્ડ નવી લાઇન નાખ્યા પછી આગળ કામગીરી છેલ્લા 6 મહિનાથી બંધ હોઇ જૂની કેનાલ તૂટેલી હાલતમાં ખુલ્લી પડી છે. જેના કારણે સામે કડુ શેઠના વાડામાં રહેતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. તૂટેલી આ કેનાલમાં ગાયો પડી જાય છે અને લોકો કચરો નાંખતા હોઇ અસહ્ય દુર્ગંધથી નાક દબાવીને પસાર થવું પડી રહ્યું છે.
ચોકની લીમડીથી ખારી નદી સુધી વરસાદી પાણી નિકાલની લાઇન મંજૂર થઇ હોવા છતાં નગરપાલિકાએ આંબેડકર ચોક સુધી લાઇન નાખી છે. ત્યાર પછી જૂની કેનાલ કડુ શેઠના વાડાની સામે તૂટેલી હાલતમાં ખુલ્લી પડી છે. વિસ્તારના રહીશ ઇકરામઉદ્દીને કહ્યું કે, નગરપાલિકામાં બે વખત અરજી આપી છે.
આ તૂટેલી કેનાલની મરામત કરતા નથી કે નવી કેનાલનું કામ પણ આગળ વધારતા નથી. હફીજાબીબીએ કહ્યું કે, સાયકલ ચલાવતા છોકરા પણ આ કેનાલમાં પડી ગયેલા, તેમને માંડ માંડ બહાર કાઢ્યા હતા. ઘરમાંથી બહાર નીકળતાં જ વાસ આવે છે. હૈદરભાઇ નાગોરીએ કહ્યું કે, ચૂંટણી વખતે વિકાસના વાયદા કરી જાય છે પણ સદસ્ય હજુ જોવા આવ્યા નથી.