રિપોર્ટ@અરવલ્લી: રાજ્યનું મિની કાશ્મીર એટલે સુણસર ધોધ, 500 ફૂટ ઊંચેથી પડતા ધોધનો ડ્રોન નજારો

'શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે'
 
રિપોર્ટ@અરવલ્લી: રાજ્યનું મિની કાશ્મીર એટલે સુણસર ધોધ, 500 ફૂટ ઊંચેથી પડતા ધોધનો ડ્રોન નજારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઉઠી છે. ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ઘોધ જે સુનસર ધોધ નામથી પ્રચલિત છે. આ સ્થળ પર જવા માટે ભિલોડાથી 8 કિમી દૂર એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલ દ્વારા જઇ શકાય છે. અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય છે. આજે તમને એ જ સ્થળના આહલાદક આકાશી દૃશ્યો બતાવવા ટીમ પહોંચી હતી ભિલોડાના સુણસર ગામે. ત્યારે આવો જોઈએ સુણસર ગામનો આંખો દેખ્યો અહેવાલ.


ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું છે. દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે.


શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞોપવીત ધારણ કરે છે. આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે તેવી પૌરાણિક માન્યતા રહેલી છે. આમ આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે.


ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિમી દૂર આવેલા સુનસર ગામે સુણસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો. અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હોવ તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય છે અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો.


આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધમાં સ્નાન કરવા અરવલ્લી, સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઊમટી પડે છે. ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધનો આનંદ લૂંટે છે. અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દૃશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. આ સ્થાનને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.