રિપોર્ટ@મોરબી: 16 વર્ષની સગીરા ડિવોર્સી યુવકના પ્રેમમાં પડતા પરિવારે તેની હત્યા કરી

માતાએ ઓશીકાથી મોઢું દબાવ્યું

 
રિપોર્ટ@મોરબી: 16 વર્ષની સગીરા ડિવોર્સી યુવકના  પ્રેમમાં પડતા પરિવારે તેની હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરની ઘટના ખુબજ વધી ગઈ છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દિઘડિયા નામે એક ગામ આવેલું છે. આ નાનકડા ગામમાં બનેલી એક ઘટના ભલભલાને સ્તબ્ધ કરી નાખે એવી છે. 16 વર્ષની એક સગીરા સવારના સમયે પથારીમાંથી ઊઠી જ નહીં, પરિવારે દાવો કર્યો કે દીકરીને ઊંઘમાં જ હાર્ટ-એટેક આવી ગયો, પરંતુ થોડા જ કલાકોમાં કંઈક એવું થયું, જેના કારણે પિતાએ કબૂલી લીધું કે કે અમેજ હત્યા કરી  છે. 

ચારેક દિવસ પહેલાંની વાત છે. આ ગામમાં રહેતા મહેશ ગોંડલિયાના ઘરમાંથી સવાર-સવારમાં અચાનક જ રડવાનો અવાજ આવતો હતો. વહેલી સવારે ઘરના વડીલોએ શરૂ કરેલી રોકકળે પાડોશમાં રહેતા દિનેશભાઈ ગોંડલિયાનું ધ્યાન ખેચ્ચું હતું. દિનેશભાઈ અને મહેશભાઈ એકબીજાના કૌટુંબિક ભાઈ થાય. એટલે ભાઈના ઘરમાં એવું તો શું થઈ ગયું? એ સવાલ મનમાં આવતાં જ તેઓ મહેશભાઈ ગોંડલિયાના ઘરમાં દોડી ગયા હતા.


દિનેશભાઈ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે મેં ઘરમાં જઈને મહેશભાઈ અને તેમના પરિવારના બીજા લોકોને અનેકવાર પૂછ્યું કે શું થયું? પણ કોઈ કાંઈ બોલવા તૈયાર નહોતું. ફક્ત એટલું જ રટણ કરતા હતા કે રિંકલને કંઈક થઈ ગયું છે... કંઈક થઈ ગયું છે.

ત્યાર બાદ હું તેમના જ ઘરના એક રૂમમાં ગયો. ત્યારે લગભગ સવારના પોણાસાત વાગ્યાનો સમય હતો. રૂમમાં અંધારું હતું. દીકરી ખાટલા પર હતી.

વધુમાં તેમણે કહ્યું, મેં દીકરીને હાથ અડાડ્યો. તેનો હાથ એકદમ કડક થઈ ગયો હતો, એટલે મને પણ એમ થયું કે કંઈક દુ:ખદ બનાવ બની ગયો છે. તરત જ મેં મારા બે કાકાને ફોન કર્યા અને મહેશભાઈના ઘરે આવવા માટે કહ્યું.

મારો ફોન ગયો એટલે એ લોકો પણ સવારમાં દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં ગામના લોકો પણ ઘરે એકઠા થવા લાગ્યા હતા. સવારના સમયે ગ્રામજનોની ખાસી ભીડ એકઠી થઈ ગઈ હતી. બધા લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે 16 વર્ષની દીકરી રિંકલને શું થઈ ગયું?


જેટલા પણ લોકોએ મહેશભાઈ અને તેમનાં પત્ની, મોટી દીકરીને પૂછ્યું કે રિંકલને શું થઈ ગયું છે? ત્યારે બધાએ એક જ સૂરમાં જવાબ આપ્યો કે રિંકલને ઊંઘમાં જ હાર્ટ-એટેક આવી ગયો છે.

દિનેશભાઈ ગોંડલિયા કહે છે, મહેશભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ રિંકલને હાર્ટ-એટેક આવ્યો હોવાની વાત કહી એટલે મને પણ એવું જ લાગ્યું કે આ વાત સાચી હશે. હું રૂમમાં ગયો ત્યારે અંધારું હતું એટલે મેં તેના શરીર પર ઈજાનાં કોઈ નિશાન જોયાં ન હતાં. પછી તો હું પણ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.


થોડા સમય પછી કોઈકના ધ્યાનમાં આવ્યું કે સગીરાના ગળાના ભાગે ઈજાનાં નિશાન છે, એટલે સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી અને મૃતદેહને વાંકાનેરના સરકારી દવાખાને ગયા હતા. સ્થાનિક હોસ્પિટલના તબીબે ગળાના ભાગે ઈજાનાં નિશાન જોયાં એટલે તેમને પણ શંકા ગઈ. તેમણે રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનું પોલીસને કહ્યું હતું. એટલે વાંકાનેર પોલીસે મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા.

આ ઘટનાક્રમ દરમિયાન રિંકલના પિતા ભાંગી પડ્યા હતા અને પોતે જ દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ ઘટસ્ફોટ થયો કે રિંકલનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.


આ બનાવની વિશેષ તપાસ વાંકાનેર તાલુકાના પીએસઆઈ એલ.એ.ભરગા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ રિંકલ તેની બહેન હિરલના નણદોઈ રોનક (નામ બદલ્યું છે) સાથે પ્રેમસંબંધમાં હતી. થોડા સમય અગાઉ પરિવારના લોકોને બન્નેના પ્રેમસંબંધ વિશે જાણ થઈ હતી. એટલે મોટો વિવાદ ઊભો થયો હતો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે રોનક અને હિરલની નણંદના છૂટાછેડા થઈ ગયા અને હિરલની નણંદ પોતાના પિતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.


મોરબીના DySP સમીર સારડા અને તપાસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પૂર્વે હિરલ પોતાનાં બે સંતાન સાથે પિયરમાં આવી હતી. ત્યારે પોતાની સગી બહેનના કારણે જ નણંદના સાંસારિક જીવનમાં તડાં પડ્યાં હોવાનો બળાપો માતા-પિતા સામે ઠાલવ્યો હતો. હિરલે પોતાના પિતાને એમ પણ કહ્યું કે આપણી રિંકલ અને રોનક વચ્ચેના પ્રેમપ્રકરણના કારણે જ બે મહિના અગાઉ મારી નણંદનું ઘર તૂટ્યું છે. હવે જો રિંકલ રોનક સાથેના સંબંધોમાં પૂર્ણવિરામ નહીં લાવે તો મારું ઘર પણ ભાંગી જશે. રિંકલની એક વર્ષ પૂર્વે સગાઈ પણ કરવામાં આવી હતી છતાં રોનક સાથે તેનું પ્રેમપ્રકરણ અટક્યું ન હતું. હત્યાકાંડની રાત્રે પરિવારના લોકોએ રિંકલને સમજાવી પણ હતી.

રાતના સમયે રિંકલની માતા સુરેખાને ખબર પડી કે દીકરી રિંકલને ના પાડી હોવા છતાં તે રોનક સાથે ફોન પર વાત કરે છે, એટલે તેને ફોન સાથે પકડી લીધી હતી. રિંકલને અવાર-નવાર સમજાવવા છતાં સમજતી ન હતી, જેથી સુરેખાએ ફોન લઈ લીધો અને મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢીને ચાવીને ફેંકી દીધું હતું.

રિંકલને કહ્યું હતું કે 'તારી સગાઈ થઈ ગઈ છે તને અગાઉ પણ ના પાડી છે છતાં રોનક સાથે ફોનમાં વાત કરે છે. તારા અને રોનકના પ્રેમસંબંધને કારણે તારી મોટી બહેન હિરલની નણંદના રાહુલ સાથે છૂટાછેડા થઇ ગયા છે છતાં તું તેની સાથે પ્રેમસંબંધ રાખીશ તો તારી બહેન હિરલનું ઘર પણ નહીં ચાલે.

ત્યારે રિંકલે કહ્યું હતું, 'તમારે જે કરવું હોય એ કરો હું રાહુલ સાથે વાત કરીશ, મારી નાખવી હોય તો મારી નાખો.'


પરિવારના સભ્યોએ રિંકલને પ્રેમસંબંધ વિશે સમજાવતા છતાં તે ન માની, એટલે રિંકલનાં માતા-પિતા અને બહેને મળીને રિંકલનું મોઢું કાયમ માટે બંધ કરી દેવાનો પ્લાન ઘડ્યો હતો. જે દિવસે રિંકલને સમજવવા છતાં ન માની એ જ રાત્રે પોણાત્રણેક વાગ્યે ષડયંત્રના ભાગરૂપે મહેશભાઈ, તેમની પત્ની સુરેખા અને દીકરી હિરલ જાગી રહ્યાં હતાં. સુરેખાએ પતિ મહેશભાઈને કહ્યું, 'તમે રિંકલના પગ પકડી રાખો' અને દીકરી હિરલને કહ્યું, 'તું હાથ પકડી રાખ' અને બાદમાં સુરેખાએ સગી દીકરી રિંકલના મોઢા પર જોરથી ઓશીકું દબાવી રાખ્યું હતું. મોઢા અને ગળાના ભાગે થોડા સમય સુધી ઓશીકું રહેતા રિંકલનો જીવ નીકળી ગયો હતો.

દિનેશભાઈ ગોંડલિયાએ કર્યું, આવું મનમાં પણ ન હોય કે પરિવારના લોકો જ દીકરી સાથે આવું કરે. આ દીકરીના પ્રેમપ્રકરણ વિશે હું કશું જાણતો નથી. મને કોઈ જાણ જ ન હતી. જ્યારે હત્યાની ખબર પડી તો મને પણ લાગી આવ્યું.

રિંકલના મૃત્યુ અંગે અન્ય લોકોને શું કહેવું? એ વાત પણ મહેશભાઈ તેમની પત્ની સુરેખા અને દીકરી હિરલે મળીને નક્કી કરી લીધી હતી. આજકાલ નાની ઉંમરે પણ હાર્ટ-એટેક આવવો સામાન્ય બાબત બની ગઈ છે, એટલે આ ત્રણેય લોકોએ સવારે સૂર્ય ઊગતાંની સાથે જ ઊપજાવી કાઢેલી વાર્તા સાથે રોકકળ શરૂ કરી હતી.


આ કેસમાં નોંધવા જેવી વાત એ પણ છે કે મહેશભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ તેમના કૌટુંબિક ભાઈ દિનેશભાઈ ગોંડલિયાએ જ ફરિયાદ નોંધાવી છે. રિંકલની હત્યા પરિવારના લોકોએ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં જ પોલીસે તાત્કાલિક ધોરણે મહેશભાઈ ગોંડલિયાની ધરપકડ કરી લીધી હતી. જે-તે સમયે સુરેખા ગોંડલિયા અને હિરલ ગોંડલિયા ફરાર હતાં. તાજેતરમાં પોલીસે મૃતકની માતા સુરેખા અને બહેન હિરલને હત્યાના કેસમાં ઝડપી લીધાં છે. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું પીએસઆઈ એલ.એ.ભરગાએ જણાવ્યું હતું.

હવે ન માત્ર એક જ પરિવારના ત્રણ લોકો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, પરંતુ હત્યાના ત્રણ આરોપી સિવાય પાંચ બાળક પણ નિરાધાર બની ચૂક્યાં છે.


મહેશભાઈ ગોંડલિયા એક કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. પોતાની જ દીકરીની હત્યા કરનાર દંપતીને મૃતક રિંકલથી મોટી એક દીકરી હિરલ છે, જે પોતે હત્યામાં સામેલ છે. આ ઉપરાંત રિંકલથી નાનો એક પુત્ર અને બે પુત્રી છે. હિરલને પણ સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આમ, 18 વર્ષથી ઓછી ઉંમરનાં પાંચેય બાળકોનું ભાવિ અંધકાર બની ગયું છે.