રિપોર્ટ@મોરબી: આજે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ, વીજપોલના વળતરના નવા પરિપત્રની ચર્ચા-વિચારણા

વીજપોલ અને વાયરના વળતર સામે ખેડૂતોમાં રોષ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર મામલે 'આંદોલન પાર્ટ 3' ના મંડાણ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જેતપર ગામની રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સરકાર દ્વારા વીજપોલના વળતર માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ઉપરાંત ચર્ચા વિચારણને અંતે વીજપોલ વળતરનું આંદોલન રાજ્યવ્યાપી બનાવવા નીતિ ઘડાશે. જેમાં રાજ્યસ્તરની 'આંદોલન કમિટી' રચના કરવામાં આવશે.

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવા અને વીજ વાયર પાથરવાની કામગીરી ચાલી રહી છે. ખેતરોમાં ઊભા કરાતા વીજપોલ અને પસાર થતા લાઈનના બદલામાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાથી વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આ અગાઉ યોગ્ય વળતરની માંગ સાથે જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું હતું. જોકે, 19મા દિવસે ખેડૂતોની તબિયત લથડતાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પારણા કરાવાયા હતા.

સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે રાત્રે 9:00 વાગ્યે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

આગામી વ્યૂહરચનાના ભાગરૂપે બીજી બેઠક યોજાશે. જે 9 તારીખે રાત્રે 9 વાગ્યે વધુ 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાશે. જેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ભાગ લેશે. તમામ જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી'ની રચના કરવામાં આવશે. આ કમિટી અંતર્ગત ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા માટે 'આંદોલન પાર્ટ 3' ની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે.