રિપોર્ટ@મોરબી: ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગતા યુવાનનું સ્થળ ઉપર જ ભડથું

કારમાંથી 5 લાખ રોકડા, પિસ્તોલ, ઘડિયાળ અને 8 ફોન મળી આવ્યા, સિરામિક બિઝનેસમેનનું મોત
 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી સિરામિક ઉદ્યોગપતિ પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગવાની ઘટના બની હતી અને જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા. જેથી કારની અંદર બેઠેલ યુવાન આગમાં સ્થળ ઉપર જ ભડથું થઈ ગયો હતો. જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

આગ લાગવાની આ ઘટના અંગેની જાણ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારમાં લાગેલી આગને કંટ્રોલ કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કર્યો હતો. આ અંગેની મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. ફાયરની ટીમે ગાડીમાંથી મળેલા રોકડા પાંચ લાખ, એક પિસ્તોલ, ઘડિયાળ અને આઠ મોબાઈલ ફોન મૃતકના કૌટુંબિક ભાઈને પોલીસની હાજરીમાં આપ્યા છે.

મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.39) નામનો યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર તેની ગાડીમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જોતાજોતામાં આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. તેમજ કારના દરવાજા લોક થઈ ગયા હોવાથી કારમાં બેઠેલા અજયભાઈ ગોપાણી કારની બહાર નીકળી શક્યા ન હતા.

​​​​​​ જોકે, ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલી આગને કંટ્રોલ કરવામાં આવી ત્યાં સુધીમાં આગની અંદર ગાડીમાં જ અજયભાઈ ગોપાણી ભડથું થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને આ બનાવની જાણ થતાં તેઓ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે યુવાન પોતાની ગાડી લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મોરબી પાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાડીમાં આગ લાગવાથી એક યુવાનનું મોત નીપજયું છે અને આગ કાબૂમાં આવ્યા પછી તુરંત જ ગાડીમાંથી મૃતક યુવાનની લાશને બહાર કાઢવા માટેનું કામ કરવામાં આવ્યું હતું. ગાડીમાંથી એક થેલો મળી આવ્યો છે જેમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવ્યું છે. જે તમામ મુદામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા.