રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 1500થી વધુ કેન્સર પીડિત બાળક સાજા થયા, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સોસાયટી હોસ્પિટલમાં 5 વર્ષમાં બ્લડ કેન્સરથી પીડાતા 1681 બાળ દર્દીઓની સફળ સારવાર કરાઈ છે.
2020થી 2024 દરમિયાન 18 વર્ષથી નાના 1093 છોકરા અને 642 છોકરી સાજી થઈ છે. ગુજરાત સહિત અન્ય રાજ્યથી આવેલા 5455 બ્લડ કેન્સરના દર્દીની સારવાર કરાઈ છે. બાળ દર્દીઓમાં એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાના 90%, લિમ્ફોમાથી પીડાતા 90% દર્દીઓમાં સારા પરિણામો પ્રાપ્ત થયાં છે.
બાળ દર્દીમાં મોટાભાગના કેસ 2થી 10 વર્ષની વયજૂથમાં અને છોકરીઓ કરતાં છોકરાોની સંખ્યા વધારે છે. હોસ્પિટલમાં છેલ્લા વર્ષમાં 52 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવારનો ખર્ચ અંદાજે 8થી 10 લાખ રૂપિયા થતો હોય છે. જ્યારે જીસીઆરઆઇમાં બ્લડ કેન્સરના દર્દીની સારવાર સ્કૂલ હેલ્થ યોજના, પીએમજેવાય સહિત અન્ય યોજના હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પડાતી હોવાથી દર્દીના પરિવારોને મોટો આર્થિક બોજમાંથી રાહત મળે છે.
ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના ડાયરેકટર ડો. શશાંક પંડયા જણાવ્યું હતું કે, કેન્સરના પ્રારંભિક નિદાન, અદ્યતન સારવાર અને મલ્ટિડિસિપ્લિનરી સંભાળ ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી 5 વર્ષમાં મહિલા, પુરુષ અને બાળકો મળીને 5455 દર્દીની સફળ સારવાર કરાઇ. જેમાં ગુજરાતના 4,298 તેમજ અન્ય રાજ્યના 1157 દર્દીનો સમાવેશ થાય છે.