રિપોર્ટ@નર્મદા: મનરેગાની આવી બૂમરાણ ક્યારેય નહિ સાંભળી હોય, હરિફો ભેગાં મળીને કાંડ કરી શકે?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લામાં મનરેગાની એક એવી બૂમરાણ સામે આવી છે કે, ખરેખર આ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક ખરાઇ જરૂરી બની છે. મનરેગાના અત્યાર સુધીમાં અનેક કૌભાંડ, ગેરરીતિના સમાચાર આવ્યા પરંતુ સાગબારા તાલુકામાં જે બૂમરાણ છે તે ખૂબ જ ચોંકાવનારી અને હચમચાવી મૂકે તેવી છે. મટીરીયલ સપ્લાયનો ઠેકો લેવા ભાગદોડ કરતી એજન્સીઓ ભેગાં મળીને સિસ્ટમ સાથે ગોઠવણ પાડી શકે? મનરેગામાં બધાં રીપોર્ટ ઓનલાઇન છતાં શું સિસ્ટમ પણ આવાં સેટિંગ્સમાં ભરપૂર સાથ આપી શકે? નવાઇની વાત એ કે, આવી રીતે પણ ભ્રષ્ટાચાર શક્ય છે એ પણ સમજવું ભારે થઈ પડ્યું છે? આથી આ શંકાસ્પદ અને બૂમરાણ મચાવતાં મુદ્દે વિગતોનું ક્રોસિંગ અને રીપોર્ટ આધારે તપાસ અગત્યની બની છે. જાણીએ સાગબારા તાલુકામાં મનરેગાની અત્યાર સુધીમાં ક્યારેય ના સાંભળી હોય તેવી બૂમરાણ.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં પ્લાન્ટેશનના કામમાં ગેરરીતિની આગ હજુ શમી નથી અને સૌથી મોટી બૂમરાણ સામે આવી છે. આ શંકાસ્પદ બૂમરાણ ક્યારેય ના સાંભળી હોય કે કલ્પી ના હોય તેવી હોવાથી વિગતો આધારે ક્રોસિંગ યુદ્ધના ધોરણે જરૂરી બન્યું છે. બૂમરાણ એવી છે કે, સાગબારા તાલુકામાં નાણાંકીય વર્ષ 2021 દરમ્યાનના કામોની મંજુરી હતી એ કામોનું પેમેન્ટ વર્ષ 2023 માં કરવામાં આવ્યું. હવે આ વિલંબિત પેમેન્ટ અને પેમેન્ટ મેળવનાર મામલે ચોંકાવનારી બૂમરાણ છે. વર્ષ 2021-22 દરમ્યાનના ઠેકેદારના ભાવો નીચા હોવાથી તેના કામોનું મટીરીયલ પેમેન્ટ વર્ષ 2022-23 ના ઠેકેદારને નવા અને ઉંચા ભાવથી કર્યું હોવાની ચારેકોર બૂમરાણ મચી ગઇ છે. આવું કરીને હરિફોએ સિસ્ટમનો સહયોગ લીધો અથવા સિસ્ટમે બંને જણાંને એક કરી સરકારના નાણાંકીય હિતને મોટી અસર કરી હોવાની ચર્ચા ફેલાઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કલ્પના બહારની શંકાસ્પદ ગતિવિધિ મામલે ટીડીઓને પૂછતાં જણાવ્યું હતું કે, આવું કંઈ બન્યું નથી પરંતુ ઓનલાઇનથી રેકર્ડના કાગળો મેળવી તેના ઉપર લાલ નિશાન કરીને કોઈએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી સમગ્ર મામલે શક્ય એટલી ખરાઇ કરવા કોઈ એક કામનો ઓનલાઇન રીપોર્ટ જોતાં વહીવટી અને તાંત્રિક મંજૂરી વર્ષ 2021-22ની જોવા મળી અને પેમેન્ટ વર્ષ 2022-23 માં ઠેકો ધરાવતી એજન્સીને હોવાનું પણ જણાઇ આવે છે. આવી સ્થિતિમાં ઘટનાક્રમ અનેક રીતે શંકાસ્પદ જણાતાં ડીડીઓને જણાવતાં કહ્યું કે, આવી રજૂઆત આવી નથી છતાં વિગતો હશે તો તપાસ કરાવીશું.
હકીકતમાં રજૂઆત છે કે કેમ? અથવા આવું બન્યું છે કે કેમ ?
રજૂઆત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું પરંતુ તેની તેની ખાત્રી મહત્વની અને ખાસ તો સમજવા જેવી વાત એવી પણ આવી કે રજૂઆત ત્રીજી હરીફ એજન્સીએ કરી હોવાની ચર્ચા છે. હવે ચર્ચાનો જે મુદ્દો છે તેની ઉપર ખાત્રીબંધ વિગતો અને તેની ખરાઈ કરી હકીકતમાં આવો કાંડ કર્યો છે કે કેમ તેની ઉપર આગામી ન્યૂઝ રિપોર્ટમાં અટલ સમાચાર ડોટ કોમના સ્પેશિયલ અહેવાલમાં જાણીશું.