રિપોર્ટ@ગુજરાત: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી
 
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ અને રાજકોટમાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને માર્ચને ફ્લેગ ઓફ કરાવી હતી. જ્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 'રન ફોર યુનિટી' યોજાઈ હતી.
અમદાવાદની યુનિટી માર્ચમાં મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અને 'ફીટ ઇન્ડિયા'ના નારા સાથે જોડાયા હતા, જે આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ખાતે પૂર્ણ થઈ હતી.
સરદાર પટેલી 150મી જન્મજયંતી નિમિત્તે આજે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આયોજીત યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનું ફ્લેગ ઓફ કરી પોતે 100 મીટર સુધી ચાલ્યા હતા. જ્યારે આ યાત્રામાં ભાજપના નેતા, મેયર અને ગુજરાત વિદ્યાપીઠના સ્ટૂડન્ટો પણ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ અને દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ આપણા સૌ વતી સરદાર વલ્લભભાઈને ભાવાંજલિ અર્પણ કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

