રિપોર્ટ@આણંદ: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થશે
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થવા જઈ રહ્યો છે. તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે.
આજના કાર્યક્રમની શરૂઆત વીવીઆઈપી મહેમાનો દ્વારા કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લઈને કરવામાં આવશે. ત્યારબાદ આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન થશે. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.

