રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની નવી પદ્ધતિ શરૂ

બેગથી માંડીને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે.
 
રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની નવી પદ્ધતિ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિમાનમાં મુસાફરી કરતાં લોકો માટે હવે નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની એક નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ કક્ષાની આવી ચેકિંગ સિસ્ટમ ભારતના અન્ય એકેય એરપોર્ટ પર નથી. હવે, તમામ મુસાફરોએ પોતાની પાસે રહેલી મોટી બેગથી માંડીને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે. એટલે સમજી લો કે એક મુસાફર તરીકે તમારે એરપોર્ટથી બહાર નીકળતા સમયે હવે શું-શું કરવું પડી શકે? અને કસ્ટમના અધિકારીઓ સોનું, ડ્રગ્સ, ગાંજો, દારૂની બોટલ તેમજ આઇફોન, એપલ વોચ જેવા ગેજેટ્સ ગેરકાયદે લઈને આવતા લોકોને કેવી રીતે ઝડપી પાડે છે?

અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ અને પેસેન્જરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સાંજ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવરજવરથી એરપોર્ટ ધમધમી ઉઠે છે. જો કે આ ચહલપહલની આડમાં દાણચોરો કરોડની વસ્તુની હેરાફેરી કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી, ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી માટે જાણીતું બનતું ગયું હતું, જેને કારણે ભારતના ગોલ્ડ સ્મગલરો પોતાના 'કેરીયર'ને સોનાના કન્સાઇન્મેન્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પર જ લેન્ડ કરાવી રહ્યા હતા. ગાંજા અને ડ્રગ્સની હેરાફેરી પણ મોટી માત્રામાં થતી હતી.

આ પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા કસ્ટમ્સના સિનિયર અધિકારીઓએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. હવે બેગેજનું સ્ક્રીનિંગ તમામ જગ્યાએથી થઇ રહ્યું છે અને તેના માટે એક માસ્ટર કંટ્રોલરૂમ અલગ જગ્યાએ કાર્યરત કરાયો છે. જેના થકી લગેજથી માંડીને કસ્ટમ્સ ક્લિયરન્સ સુધી 50થી વધુ સીસીટીવી કેમેરા મારફતે પેસેન્જર પર નજર રાખવામાં આવે છે અને બેગેજનું ઝીણવટભર્યું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.