રિપોર્ટ@ગોંડલ: માર્કેટયાર્ડમાં ડુંગળી અઢળક આવક છતાં નબળી ક્વોલિટીને કારણે ભાવ ન મળ્યા

આ વખતે ક્વોલિટી નબળી હોવાથી 200 થી 750 સુધીના ભાવ છે. વરસાદના કારણે ખેડૂતોની 70 ટકા ડુંગળી બગડી ગઈ છે 30 ટકા જ સારી રહી છે.
 
આરોગ્યઃ કેન્સરથી લઇ ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, જાણો ફાયદાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી અઢળક આવક છતાં નબળી ક્વોલિટીને કારણે ભાવ ન મળ્યા, જેથી આ ડુંગળીને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં વેપારીઓએ એવું જણાવ્યું કે ડુંગળીની ક્વોલિટી નબળી જ આવી છે એટલે ભાવ સારા નથી મળી રહ્યા. યાર્ડમાં આવેલા વેપારી પિયુષભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા ડુંગળીની આવક અત્યારે વધારે છે જો કે ગત વર્ષે ડુંગળીના ભાવ 800 થી 900 સુધીના ભાવ હતા પરંતુ આ વખતે ક્વોલિટી નબળી હોવાથી 200 થી 750 સુધીના ભાવ છે. વરસાદના કારણે ખેડૂતોની 70 ટકા ડુંગળી બગડી ગઈ છે 30 ટકા જ સારી રહી છે. આમ, આ વખતે ડુંગળીની આવક તો વધી છે પણ ગુણવત્તા નબળી હોવાથી ખેડૂતોને સારા ભાવ મળતા નથી. ગોંડલ યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક હોવા છતાં સંતોષકારક ભાવ ન મળતાં હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી અને સરકારને દરમિયાનગીરી કરે તેવી માગણી ઉઠી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળની આવક વધી રહી છે જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં જણસીની આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને મહેનતનું વળતર મળી રહે તેટલા ભાવ મળતા નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે તો બીજી તરફ વેપારીઓ એવો દાવો કરી રહ્યા છે કે ડુંગળીની ક્વોલિટી નબળી છે, આથી પુરતા ભાવ નથી મળતાં. આથી ખેડૂતોએ સરકાર દરમિયાનગીરી કરે અને સહાય અપાવે તેવી માગણી ખેડૂતોએ કરી છે. નોંધનીય છે કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થઈ હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થઈ હતી.

ગોંડલ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 900 સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 800 થી 1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો સારા ભાવની આશા એ આવતા હોય છે, પરંતુ હાલ મોટાભાગનાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓનો સંપર્ક કરાતાં લોધિકાથી આવેલા અશોકભાઈ કોટડીયાએ જણાવ્યું કે, મારે ડુંગળીનું 5 વીઘાનું વાવેતર હતુ જેની પાછળ ઓછામા ઓછો લાખથી દોઢ લાખનો ખર્ચો થયો હતો અને હવે મેળવેલા ઉત્પાદનનો ભાવ ફક્ત 250થી 300 બોલાય છે તો એ પોષાય તેમ નથી.સરેરાશ 600 થી 700 ભાવ મળે તો જ પોષાય એમ છે.

લોધિકાથી આવેલા અન્ય એક ખેડૂત રાજેશભાઈએ જણાવ્યું કે અમે પણ 5 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. વરસાદના કારણે વધારે ખર્ચો થયો હતો લાખથી દોઢ લાખનો ખર્ચો કર્યા બાદ આજે એ ડુંગળીના ભાવ ફક્ત 291 રૂપિયા મળતા એ પોષાય એમ નથી. સરેરાશ 800 રૂપિયા ભાવ હોય તો પોષાય એક તરફ વરસાદના કારણે 50 ટકા ઉત્પાદન નિષ્ફળ ગયુ છે ત્યારે સરકાર હવે ડુંગળીમાં સહાય કરે અથવા બહાર નિકાસ કરે તો સારા ભાવ મળે.