રિપોર્ટ@પાલનપુર: ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતની લીડથી કોંગ્રેસના ગુલાબસિંહ સામે જીત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાક ઉમેદવારની જીત થઇ તો કેટલાક ઉમેદવારની હાર. વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતની લીડથી કોંગ્રેસના ગુલાબસિંહ સામે જીત થઇ છે. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી.
આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી, જેમાં 23 રાઉન્ડની આ મતગણતરીમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે, જોકે વાવ બેઠકના ઇતિહાસમાં પહેલીવાર આટલી ઓછી લીડથી કોઈ ઉમેદવારે જીત મેળવી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાનાં 179 ગામનાં 321 બૂથ પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારે પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારે પોતાનો મત આપ્યો હતો. એમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારે મત આપ્યો હતો. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ હતી.
જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 મત અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 મત મળ્યા હતા. આમ, ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતની લીડથી જીત થતાં અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.