રિપોર્ટ@પાલનપુર: 3 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ મળી, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક જગ્યાએથી લાશો મળી આવતી હોય છે. અમીરગઢનો એક 40 વર્ષીય યુવક બુધવારે કામથી બહાર ગયો હતો અને ગુમ થયો હતો. જેની શુક્રવારે બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાંથી લાશ મળી હતી. પાલનપુર ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયા દ્વારા યુવકના મૃતદેહને ઉંડા પાણીમાંથી બહાર કઢાયો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે અમીરગઢ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
અમીરગઢ ગામના 40 વર્ષીય લાલાજી ખોડાજી ખોડલિયા બુધવારે સવારે કામથી બહાર ગયા હતા. જેઓ બપોરે 12-00 કલાકે ગામમાં એક સામાજિક પ્રસંગમાં દેખાયા હતા. જેના પછી ગામમાં દેખાયા ન હતા. પરિવારને ગુરૂવારે સાંજે શંકા ગઈ હતી કે કદાચ તેઓ ચેકડેમમાં પડ્યા હોવા જોઈએ. જેથી શુક્રવારે સવારે અમીરગઢ પોલીસ મથકે જઈને જાણ કરી હતી.
જેથી પોલીસે પાલનપુર નગરપાલિકાની ફાયરની ટીમની મદદ લઈને સવારે 8-00 થી 11-00 આમ ત્રણ કલાકની ભારે જહેમત બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ચકચારી ઘટનાની જાણ થતાં અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકની લાશ બહાર કાઢીને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થ મોકલવામાં આવી હતી. જ્યાંથી પીએમ કરીને લાશને વાલી વારસોને સોંપવામાં આવી હતી.