રિપોર્ટ@પાલનપુર: પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો, શું છે સમગ્ર મામલો?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે. જેનો વિરોધ જોવા મળી રહ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનું યોગ્ય નિકાલ ન આવતા આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ના હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળા બંધી કરી હતી. જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છે.
પાલનપુર તાલુકા પી.આઇ. એમ.આર બારોટે જણાવ્યું હતું કે, આજરોજ NSUIના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો અગાઉ આપેલા હતા, જેનું નિવારણ ન થતાં તાળાબંધી અને કચેરીના ઘેરાબંધીના કાર્યક્રમો આપેલા હતા. આજે એમને રોકવામાં આવ્યા હતા અને સમજાવટ કરવામાં આવી હતી છતાં એ લોકોએ તાળાબંધીનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 25-30 જેટલા વિદ્યાર્થીઓને ડિટેન કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે.
આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાહ ઉઠી છે. આજે આ બાબતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં આવાર-નવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવતી નથી.
આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે બે દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યું નથી.
વધુમાં ટેન્ડર દ્વારા મોકલવામાં આવેલ વસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી હોય છે .જેની વિદ્યાર્થીઓએ રૂબરૂ જઈને ખાતરી કરેલ છે. ત્યારે વિદ્યાર્થીઓને ભોજનમાં અવારનવાર ખરાબ જમવાનું આપવામાં આવતું હોય વિદ્યાર્થીઓ બીમાર પણ પડી જતા હોય છે. જેથી આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તેમને સારી ક્વોલિટીનું જમવાનું મળે તે માટે હાલમાં જે ટેન્ડર છે તે બદલવાની માંગ સાથે અગાઉ પાટણમાં કલેકટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.