રિપોર્ટ@પંચમહાલ: રૂ.30 માટે યુવક સાથે કરાયો અમાનવીય વ્યવહાર

દોરડા વડે બાંધી ઢોરમાર માર્યો

 
રિપોર્ટ@પંચમહાલ: રૂ.30 માટે યુવક સાથે કરાયો અમાનવીય વ્યવહાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર  કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગોધરાના કંકુથાંભલા ગામે એક અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં માત્ર 30 રૂપિયા જેવી નજીવી રકમ માટે દુકાનદારે યુવકને ચોર સમજી કારના બોનેટ સાથે બાંધી જાહેરમાં ફેરવ્યો, એટલું જ નહિ, ઢોરમાર મારી અમાનવીય વર્તન પણ કર્યું હતું. આ ઘટનાથી આસપાસના લોકો અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, જોકે પોલીસે યુવકની ફરિયાદના આધારે દુકાનદાર સહિત બે લોકોની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


ગોધરાના કંકુથાંભલા ગામે એક યુવકને ચોર સમજી કારના બોનેટ પર બાંધીને ફેરવ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં દુકાનદાર (કારમાલિક) સહિત અન્ય બે જેટલા ઈસમો યુવકને ચોર સમજી કારની બોનેટ ઉપર દોરડા વડે બાંધી કાર ફેરવતો વીડિયો વાઇરલ થયો છે, જેથી વાઇરલ વીડિયોના આધારે ગોધરા તાલુકા પોલીસે દુકાનદાર, કારમાલિક સહિત અન્ય બે જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ અસોડાએ ગણતરીના કલાકોમાં કારના બોનેટ સાથે યુવકને બાંધીને કાર ફેરવનાર બે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે રોડ ઉપર આવેલી બિયારણની દુકાન પર કારેલીનાં બિયાં લેવા માટે ગયેલો યુવક ભૂલથી 30 રૂપિયા આપવાનું ભૂલી ગયો હતો, જેથી આરોપીઓએ યુવકને કારના બોનેટ સાથે દોરડા વડે બાંધીને શરીરે ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી યુવકે ગોધરા તાલુકા પોલીસ મથકમાં દુકાનદાર, કારમાલિક સહિત અન્ય બે જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. એમાં ગણતરીના કલાકોમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈએ બે ઈસમની અટકાયત કરી ગોધરા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા.


આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાના નારી કેન્દ્ર પાસે આવેલી પથ્થર તલાવડી ખાતે રહેતા કિશોરભાઈ સૂરજનભાઈ બાવરીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના બારેક વાગે ગોધરા તાલુકાના કંકુથાંભલા ચોકડી બાજુના ગામડામાં ફેરિયાનો ધંધો કરવા ગયા હતા. જેથી મારી પાસે ગામના એક ભાઈએ કારેલાનાં બિયાં મગાવ્યાં હતાં, આથી હું કંકુથાંભલા ગામમાં આવેલી બિયારણની દુકાને જઈને દુકાનદારને કારેલાનાં બિયાંનો ભાવ પૂછ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે રૂ.10નું એક પેકેટ છે. મેં દુકાનદાર પાસેથી ત્રણ પેકેટ કારેલાનાં બૉિયાંની થેલી લીધી હતી. મારી પાસે 500ની નોટ હતી, જેથી હું દુકાનદારને પૈસા આપવાનું ભૂલી ગયો હતો.


ત્યારે દુકાનદાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર મને બૂમ પાડી કહ્યું કે તારે મને પૈસા આપવાના બાકી છે. તું મારા પૈસા લઇ ગયો છે, આથી મેં પૈસા આપી દીધા હતા. ત્યારે આ દુકાનદાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર (રહે. મધુવન ટેનામેન્ટ અંકુર સ્કૂલની પાસે ગોધરા)એ ચોર ચોર કહી બૂમો પાડતાં આજુબાજુના દુકાનોવાળા તથા બીજા માણસો ભેગા થઈ ગયા હતા, જેથી મને મારશે એવી બીક લાગતાં હું ભાગવાની કોશિશ કરતો હતો. એ દરમિયાન દુકાનવાળા ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણ તથા બીજા એક માણસે મને પકડીને દુકાન પાસે બેસાડી દીધો હતો.


મને દુકાનદાર ગણપતસિંહ પરમાર તથા મનુભાઈ દેવરાજ ચારણ બીજા એક અજાણ્યા માણસોએ દોરડું લાવી દુકાનવાળાની દુકાન આગળ મુકી રાખેલી ફોર-વ્હીલ ગાડીના બોનેટ ઉપર મને હાથે-પગે દોરડું બાંધી દીધો હતો. એ બાદ કાર ઉપર, આગળ, પાછળ, ચલાવતા હતા. મને ગાલ ઉપર તથા શરીરે હાથથી માર મારવા લાગ્યા અને અપશબ્દો બોલી આ ચોર છે, આને જાનથી મારી નાખીએ એમ કહેતા હતા.


આથી આજુબાજુમાં ઊભા રહેલા કોઈ માણસે પોલીસને બોલાવી લેતાં પોલીસ આવી હતી. પોલીસે મને ગોધરા તાલુકા પોલીસ મથકમાં લઈ જઈ મારી પૂછપરછ કરી હતી, જેથી મેં બધી હકીકત જણાવી હતી, આથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણ સહિત અન્ય એક અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. ત્યારે ગોધરા તાલુકા પોલીસ મથકના પી.આઈ પી કે અસોડા ગણતરીના કલાકોમાં જ કારની બોનેટ ઉપર યુવકને બાંધીને ફેરવનાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને મનુભાઈ દેવરાજભાઈ ચારણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.