રિપોર્ટ@ગુજરાત: આઇસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા મુસાફરોને ઈજા પહોંચી

 બસ દીવાલમાં ઘૂસી

 
રિપોર્ટ@ગુજરાત: આઇસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા મુસાફરોને ઈજા પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતના કેટલાક બનાવો સામે આવતા હોય છ. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે.  અમદાવાદથી સુરત તરફ જતા એક્સપ્રેસ વે પર એક લક્ઝરી બસે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. બાદમાં લક્ઝરી બસ ડિવાઈડરમાં લોખંડની રેલી તોડી અને લક્ષ્મી સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બસના ચાલકને પણ ઇજા પહોંચી છે. જ્યારે બસની અંદર રહેલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા સ્થળ પર 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી છે.


અકસ્માતથી બસની અંદર રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બચાવો..બચાવોની બૂમોથી એક્સપ્રેસ વે ગુંજી ઊઠ્યો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ પહોંચી નથી. ફાયર વિભાગે બસમાંથી 30 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવ્યો હતો. બનાવને લઈને એક્સપ્રેસ વે પર થોડીવાર ટ્રાફિક પણ થયો હતો. જો કે, જાણ થતાં જ ચાર 108 એમ્બ્યુલન્સ, ઇઆરસી અને પાણીગેટ ફાયરની ટીમો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલ રાબેતા મુજબ વાહનો પસાર થઈ રહ્યાં છે. અકસ્માતનો ભોગ બનેલા લક્ઝરી બસના તમામ મુસાફરો રાજસ્થાનથી સુરત તરફ જઈ રહ્યા હતા. આઇસરચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ખાનગી બસના ડ્રાઇવરને પણ સારવાર આપવામાં આવી હતી.


પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાનો કોલ સવારે 6 વાગ્યા આસપાસ મળ્યો હતો. આજવા ચાર રસ્તા પાસે સુરત તરફ જવાના રોડ ઉપર આ ઘટના બની હતી. જેમાં એક આઈસર ટેમ્પા સાથે બસનું અથડામણ થયું અને બસ સર્વિસ રોડ ઉપરથી ગટરની તરફ ઘૂસી ગઈ હતી, જેમાં પેસેન્જરો બધા સહી સલામત છે, નાની-મોટી ઈજા થવા પામી છે. આ બસ રાજસ્થાનથી સુરત તરફ જતી હતી જે સ્લીપર બસ છે. જે પલટી માર્યો એ આઈસર ટેમ્પાને અત્યારે પોલીસની મદદથી ઊંચકી સાઈડ પર રાખ્યો છે. બધા પેસેન્જરો સહી સલામત છે, કોઈ જાનહાનિ નથી. પેસેન્જરના સામાન પોલીસ દ્વારા સંભાળવામાં આવ્યા છે. કોઈ નાનો મોટો સામાન રહી ગયો હશે તો તપાસ કરી, પેસેન્જરની ઓળખ કરી પોલીસના માધ્યમથી સામાન મૂળ માલિકને આપવામાં આવશે. સ્લીપર બસના લગભગ 30થી 35 પેસેન્જરોને રેસ્ક્યૂ કર્યા છે. આઈસરના ડ્રાઈવરને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.