કાર્યવાહી@સિદ્ધપુર: 10હજારથી વધુ શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો ઝડપાઇ જતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણના સિદ્ધપુરમાંથી 10 હજાર લિટરથી વધુનો ભેળસેળયુક્ત ખાદ્યતેલના જથ્થા ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઊંઘતું રાખી ફરીથી એજ જીઆઇડીસીમાં માત્ર 200 મીટરના અંતરેથી મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તેલની ફેક્ટરીમાંથી પોલીસે 17546 લિટર જેટલો શંકાસ્પદ તેલના જથ્થા સાથે 3 શખ્સોને પકડ્યા છે. જિલ્લામાં સતત પોલીસની ઘી બાદ તેલની મોટી રેડને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઊભો છે.
સિદ્ધપુરમાં એસપી વી.કે.નાયીનાં માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ જે.જી.સોલંકી સહિતના સ્ટાફની ટીમે સિદ્ધપુર જીઆઇડીસીમાં આવેલ તેલની ફેક્ટરીમાં શંકાસ્પદ તેલનો જથ્થો બનાવાતો હોવાની બાતમી આધારે મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઓચિંતી રેડ કરી હતી. જ્યાં નાની મોટી 4 ટાંકીમાંથી અંદાજે 10500 લિટર શંકાસ્પદ તેલનો જથ્થો, 2 તેલના ડબ્બા, 5 લિટરનું 1 કેન, 500 ગ્રામની બોટલો મળી 17546 લિટર શંકાસ્પદ તેલનો જથ્થો તેમજ વિટામિન ભરેલી એલ્યુમિનિયમની 76 બોટલો મળી કુલ રૂ.20,31,650નાં મુદ્દામાલ સાથે ફેક્ટરીમાંથી સિદ્ધપુરના ભરત રમેશભાઈ મોદી, ખોલવાડાના મંગાજી ચેલાજી ઠાકોર અને લાલપુરના સંદીપ મનુભાઈ રાવળને પકડી પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે એફએસએલ અને ફૂડ વિભાગને સ્થળ ઉપર બોલાવતા બંને ટીમો સ્થળ પર પહોંચી ફૂડ વિભાગે ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ કંચન, કોહિનૂર, કેસર અને લેબલ વગરના ડબ્બામાંથી 14 સેમ્પલ લીધા હતા તેમજ વિટામિનના નમુના લઈ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.હાલમાં સ્થળ ઉપર કુલ અંદાજે 9,81,281નો અંદાજે 8219 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ભેળસેળિયું તેલ કે ઘી ખાવાથી હૃદય અને પેટના રોગો થઈ શકે છે ફિઝિશિયન ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ભેળસેળ કે હલકી ગુણવત્તાવાળા તેલ કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેના કારણે એસીડીટી, અપચો સહિતના રોગો થાય છે. હૃદયના રોગો થઈ શકે છે.