રિપોર્ટ@પાટડી: રૂડો રસ્તો ગેરંટી પિડીયડમાં જ જર્જરિત બન્યો, ધામા-સુરેલ માર્ગ જોઈ આવો

અટલ સમાચાર ડોટ કોમ, પાટડી
કરોડોના ખર્ચે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્રારા ધામાથી સુરેલ ગામ જતો માર્ગ કેટલાક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. આ પછી કેટલોક સમય માર્ગ બરાબર રહ્યો પરંતુ રોડને નિયમોનુસાર અપટુડેટ રાખવાની ગેરંટી પૂર્ણ થાય તે પહેલાં જ ખખડધજ બની ગયો છે. ચોંકાવનારી વિગતો એવી છે કે, આદરીયાણા ત્રણ રસ્તાથી સુરેલ તરફ જતાં એક સાઇડની પટ્ટી જ ખરાબ હાલતમાં આવી ગઈ છે. અનેક જગ્યાએ ખાંડા પડી જવા સાથે માર્ગ ઉપર ધીમે ધીમે બાવળો પણ કબ્જો જમાવી રહ્યા છે. સમગ્ર મામલે પાટડીના ઈજનેરને પૂછતાં જણાવ્યું હતું કે, હજુ ગેરંટી હોઈ મરામત કરાવવા કોન્ટ્રાક્ટરને સુચના આપી દઈએ છીએ. જાણીએ રોડની સમગ્ર વિગતો.
સુરેન્દ્રનગર માર્ગ મકાન(સ્ટેટ) વિભાગે પાટડી તાલુકાના ધામાથી સુરેલ ગામ તરફ જતો માર્ગ કરોડોના ખર્ચે સરેરાશ બેથી ત્રણ વર્ષ અગાઉ બનાવ્યો હતો. આ પછી નવેમ્બર 2023 સુધી માર્ગને સાચવવાની એટલે કે જાળવવાની જવાબદારી માર્ગ મકાન વિભાગ મારફતે કોન્ટ્રાક્ટરની છે. જોકે હાલની સ્થિતિએ સદર માર્ગ ગેરંટી પિડીયડમાં હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની ગયો પરંતુ મરામત કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ માર્ગ જેવી રીતે જર્જરિત બન્યો તે પણ ચોંકાવનારુ છે, જેમાં આદરીયાણા-ધામા ત્રણ રસ્તાથી સુરેલ તરફ જતાં એક બાજુની આખી સાઇડ ઉબડખાબડ બની ગઈ છે. અનેક જગ્યાએ ખાંડા પડી ગયા, કપચીઓ બહાર આવી ગઈ હોવાથી માર્ગ ગેરંટી વચ્ચે પણ મરામત વગરનો કેમ તેવા સવાલો ઉભા થયા છે. આટલુ જ નહિ, અનેક જગ્યાએ રોડ ઉપર બાવળો ઘૂસી જતાં માર્ગ ધીમે ધીમે સાંકડો બનતો જાય છે. સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે કે, જો આમને આમ ગેરંટી પીરીયડ પૂરો થઈ જશે તો પછી કેવી રીતે અને કોણ રીપેરીંગ કરશે અથવા કરાવશે ? આથી સમગ્ર મામલે માર્ગ મકાન વિભાગના ઈજનેર કાલરીયાએ જણાવ્યું હતું કે, અગાઉ સુચના આપી હતી પરંતુ વરસાદી માહોલ હોઇ રીપેરીંગ થયું નહોતું પરંતુ હવે ફરીવાર કહીને રીપેરીંગ કરાવીશું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી આ માર્ગ મંજૂર કરી વિસ્તારમાં મોટી સુવિધા આપી છે. જોકે માર્ગની જાળવણી અને રખરખાવ નિયમિત નહિ થતાં વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. આ સાથે બાવળોના ઝુંડ રસ્તા ઉપર આવી જતાં પહોળો માર્ગ બેદરકારીને કારણે સાંકડો બનવા પામ્યો છે. અહિં એ પણ સવાલો બને છે કે, માર્ગ મકાન વિભાગે રસ્તા ઉપર સફેદ પટ્ટા લગાવવા બાબતે કે માર્ગની બંને સાઇડોના ધોવાણ અટકાવવા માટે શું કોઈ વ્યવસ્થા અથવા જોગવાઈ કરેલી છે ? આ તમામ સવાલો સદર માર્ગની પારદર્શકતાને લઈ ઉભા થયા છે.