રિપોર્ટ@સુરત: શહેરના તમામ ઝોનના ખખડધજ રસ્તાઓથી લોકો પરેશાન, રોડની ગુણવત્તાને લઈ સવાલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસની ઋતુ ચાલી રહી છે. જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રોડને નુકશાન થયું છે. સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે. રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે, ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે. પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે. કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
સુરતના ઉધના દરવાજા, ભાઠેના, કતારગામ, પુણા, અડાજણ, રાંદેર, વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ફરે તે સમયે નદીના દૃશ્યો સર્જાય છે, તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે, ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી છે. શહેરના તમામ રસ્તાઓની ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરી સાત દિવસની અંદર ક્યાં વિસ્તારમાં કેટલા રસ્તાઓની કામગીરી કરી છે, તે અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. લોકોને મુશ્કેલી ન પડે તેના માટે પહેલાથી જ અધિકારીઓને રસ્તા બાબતે સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારે અધિકારીઓ દ્વારા મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે, તે મુજબ કામગીરી થતી નથી. આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે.