રિપોર્ટ@અમદાવાદ: બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા કરવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી

કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ 
 
 રિપોર્ટ@અમદાવાદ: બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા કરવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા કરવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં જુદા જુદા મુદ્દે તપાસ કરવા ગ્રામ્ય કોર્ટના જજ કે.એન.નીમાવતે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

બીજી તરફ આરોપીની કોલ ડિટેઇલ મેળવીને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને કેટલાક શંકાસ્પદ નંબર પણ મળ્યા છે.

બોપલ પોલીસ સ્ટેશનમાં 13 ડિસેમ્બરના રોજ ખાનગી બેંકના મેનેજર આનંદ સોનીએ પોલીસને જાણ કરી હતી કે સાઉથ બોપલમાં સોબો સેન્ટરમાં આવેલી તેઓની બેંકના એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં એક વ્યક્તિએ 500ના દરની 19 નકલી ચલણી નોટો જમા કરાવી છે. જે અંગેના સીસીટીવી પણ પોલીસને આપવામાં આવ્યા હતા અને એસઓજી અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. બેંકમાં જે નકલી નોટો જમા થઈ તે ખાતાની તપાસ કરતા તે ખાતુ સાણંદના અલ્પીત દિનેશકુમાર ગજ્જર નામના વ્યક્તિનું હોવાનું ખૂલ્યું હતું. જેથી બોપલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની તપાસ કરતા તેના પરિવાર થકી જાણ થઈ હતી કે અલ્પીત ગજ્જર મિત્ર સાથે થાઈલેન્ડ ફરવા ગયો છે. વધુમાં તેની સાથે થાઈલેન્ડ ગયેલો મિત્ર પરત આવી ગયો હતો પરંતુ અલ્પીતને જાણ થઈ ગઈ હતી કે તેની સામે ફરિયાદ નોંધાઈ છે જેથી તે પરત ન આવી ત્યાં રોકાઈ ગયો હતો. જોકે 7 દિવસ બાદ તે અમદાવાદ પરત આવતા તેની ધરપકડ કરવામા આવી છે.

ત્યારબાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ તુષાર એલ.બારોટે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપી ક્યાંથી નકલી નોટો લાવ્યો, આરોપી પાસે બીજી નકલી નોટ છે કે નહીં, આરોપીએ આ રીતે બીજા કોઇ એટીએમમાં નકલી નોટો ભરી છે કે નહીં, આરોપી સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે, આરોપી સામાન્ય પરીવારનો છે છતાં અવાર નવાર વિદેશ ફરવા જતો હતો તો તેની પાસે પૈસા ક્યાંથી આવતા હતા, આરોપીએ નકલી નોટો બીજી કોઇ જગ્યાએ ફરતી કરી છે કે નહીં સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની જરૂર છે, આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.