રિપોર્ટ@મહેસાણા: મહિલાનું 13 લાખ ભરેલું પર્સ ચોરી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપ્યા

મહેસાણા રેલવે પોલીસે બંનેને રિમાન્ડ પર લીધા
 
રિપોર્ટ@મહેસાણા: મહિલાનું 13 લાખ ભરેલું પર્સ ચોરી કરનાર 2 આરોપીને પોલીસે  ઝડપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  મહેસાણાના ઝુલાસણ નજીક અઢી મહિના પહેલાં ભગત કી કોઠી-દાદર ટ્રેનમાં મહિલા મુસાફરનું રૂ.13.04 લાખની મત્તા ભરેલું પર્સ ચોરાયું હતું. અા ચોરીમાં સંડોવાયેલા આંધ્રપ્રદેશના બે શખ્સોને મહેસાણા રેલવે પોલીસ અને રેલવે એલસીબીની ટીમે આંધ્રપ્રદેશથી ઝડપી લીધા છે. હૈદરાબાદમાં કેટરર્સનો ધંધો કરતાં આ શખ્સોએ ટ્રેનમાં પરત જતાં ચોરી કરી હતી.

ભગત કી કોઠી ટ્રેનમાં ગત 29 ડિસેમ્બરે જોધપુરથી દાદર જવા નીકળેલાં દિવ્યાબેન નામનાં મુસાફરનું રૂ.13.04 લાખની મત્તા ભરેલું પર્સ ચોરાયું હતું. જે અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ ચાલુ હતી. આ દરમિયાન આંધ્રપ્રદેશના ગુટકલનો મોસીન મહંમત મોસાનાનીને અન્ય એક ગુનામાં ત્યાંની પોલીસે ધરપકડ કરી હતી.

જેના સર્વેલન્સમાં મહેસાણા રેલવે પોલીસને ઝુલાસણ પાસે ચાલુ ટ્રેનમાં થયેલી ચોરીમાં આ શખ્સ સંડોવાયેલો હોવાનું જણાઇ આવતાં રેલવે પોલીસ આંધ્રપ્રદેશ પહોંચી હતી અને ટ્રાન્સફર વોરંટથી લઇ આવી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની પૂછપરછમાં શિવા અને ગણેશ નામના બે શખ્સોના નામ ખુલ્યા હતા. મહેસાણા રેલવેની ટીમે હૈદરાબાદ મેળામાંથી શિવાને પકડીને મહેસાણા લાવી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો.