રિપોર્ટ@ગુજરાત: ઉત્સવો વચ્ચે વડાપ્રધાન મોદી ગુજરાતનાં પ્રવાસે, પોલીસની અગ્નિપરીક્ષા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું લુસ નીકળશે અને 17મીએ ગણેશ વિસર્જન યોજાશે. જેને કારણે ટ્રાફિક નિયમનથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે પડકાર રૂપ બનશે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ 17મીએ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઇદ-એ-મિલાદના જૂલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈ શહેરના કુલ 12000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં પીએમના કાર્યક્રમમાં 2500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, આ મામલે અમે તૈયારીઓ કરી લીધી છે અને કેટલોક વધારાનો સ્ટાફ માગવામાં આવ્યો છે જે અમને મળી ગયો છે. ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ SRP અને અન્ય ફોર્સ હાલ અન્ય રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે.
દેશની પહેલી સ્વદેશી ટ્રેન વંદેભારત બાદ હવે ટૂંકા અંતરના શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે. જ્યારે ટ્રેનના રેગ્યુલર સંચાલન દરમિયાન અમદાવાદ અને ભૂજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, સાણંદ, વીરમગામ, સામખિયાલી, ગાંધીધામ સહિત 12 જેટલા સ્ટેશનો પર ઉભી રહે તેવી શક્યતા છે. જો કે, ટ્રેનના સ્ટોપેજ સહિત સત્તાવાર સમયપત્રક અંગે આગામી એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.