રિપોર્ટ@રાજકોટ: પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી, જાણો સમગ્ર બનાવ એક જ ક્લિકે

પ્રેમિકાનું ઘટના સ્થળે મોત નીપજ્યું
 
રિપોર્ટ@રાજકોટ: પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી, જાણો સમગ્ર બનાવ એક જ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રાજકોટ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે રાત્રીના સમયે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવતીનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી હતા અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની અંદર બનેલી ગંભીર ઘટના પગલે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.


પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી પ્રેમી પંખીડાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંદર નાગરિક સુવિધા કેન્દ્રમાં આપઘાતની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર ઇજા પહોંચતા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સર્જરી કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રેમી વિનોદ ગોપાલ સતવારા (ઉ.વ.19) અને પૂજા રૂપા ભદ્ર (ઉ.વ.23) ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.


બન્ને પ્રેમી પંખીડાને પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યા હતા અચાનક પ્રેમી પંખીડાએ અંદરથી દરવાજો બંધ કરી પોત પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સર્જરી પણ ચાલુ છે. હાલ યુવતીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટના હાજર પોલીસ માટે બેરદકાર માનવામાં આવી રહી છે. બન્ને પ્રેમી પંખીડા હોવાથી તેમને નાગરિક સુવિધા કેન્દ્રમાં રાખતા સાથે તેમના પર નજર કેમ રાખવામાં ન આવી તેમજ બન્નેને એકલા શા માટે રાખવામાં આવ્યા તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે. ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.