રીપોર્ટ@અમદાવાદ: રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઇલ ચોરી કરતી ટોળકીની રેલવે પોલીસે ધરપકડ કરી

 ચોરી કરવા માટે રાત્રે જ સુરતથી અમદાવાદ આવતા હતા
 
રીપોર્ટ@અમદાવાદ: રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઇલ ચોરી કરતી ટોળકીની રેલવે પોલીસે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ રેલવે પોલીસમાં ફરજ બજાવતા હે. કો. ભરતપુરી પ્રભાતપુરી પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બે શખ્સો મોબાઇલ ચોરી કરીને ભાગતા હોવાનું જણાતા તેમની અટકાયત કરી .તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આ ગેંગમાં છ લોકો હોવાનું સામે આવતા અન્ય આરોપીઓની શોધખોળ કરી વિજય પટણી, મહમદ શોએબ શેખ, મોનારામ રાઠોડ, સુરજ સહાની, સલીમ ગરાસિયા અને ભરત મકવાણા નામના છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ અમદાવાદ રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે જ આવતા હતા. બાદમાં મુસાફર ખાનામાં સૂતેલા મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરતા હતા.

આરોપીઓમાં મોનારામ રાઠોડ અને સૂરજ સહાની બંને આરોપી સુરતના કીમ વિસ્તારમાંથી મોડી રાત્રે માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી કરવા આવતા અને વહેલી સવારે સુરત જતી ટ્રેનમાં પરત જતા રહેતા હતા. બાદમાં ચોરેલા મોબાઇલ સલીમ ગરાસિયા નામના ઓલપાડના આરોપીને વેચી દેતા હતા. સાથે જ અમદાવાદના વિજય પટણી અને મહંમદ સોએબ પણ મોબાઈલ અને લેપટોપ ચોરી કરતા અને અંકલેશ્વરના ભરત મકવાણાને વેચી દેતા હતા.

રેલવે એસપી બલરામ મીણા અને ડીવાયએસપી આઇ. એમ. કોંઢિયાએ જણાવ્યું કે, આરોપીઓએ છેલ્લા ચાર માસમાં જ 33 મોબાઇલ ફોન ચોરી કર્યા હતા. આરોપીઓ પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા અને બાદમાં વેઇટિંગ એરિયામાં જઇને ફોન ચોરી કરતા હતા. આરોપીઓએ ટ્રેનમાં ચઢતા ધક્કા મૂકી થાય ત્યારે અને ચાર્જિંગમાં પડેલા મોબાઈલ ફોન પણ નજર ચૂકવી ચોરી કરી હતી. ચોરી કરેલા મોબાઈલ ફોન માત્ર ત્રણ કે ચાર હજારની નજીવી કિંમતમાં અન્ય રાજ્યોમાં અન્ય આરોપીઓ મારફતે વેચી દેતા હતા.

માત્ર અમદાવાદ નહીં સુરત આસપાસ પણ ચોરી કરી હોવાની શંકા

રેલવે પોલીસ મથકમાં ચાલુ વર્ષમાં જ એક હજાર કરતાં વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ છે. જેથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય ગુનાની હકીકત તથા ચોરી માટે તેઓ ક્યારે ક્યારે રેલવે સ્ટેશનેે ગયા હતા તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરી વધુ મોબાઇલ ચોરી કરી હોવાની શંકા પોલીસે દાખવી છે. આરોપીઓએ માત્ર અમદાવાદ જ નહીં પણ સુરતથી આવતા હોવાથી આસપાસના સ્ટેશનો પર પણ ચોરી કરી હોવાની શંકા છે.