રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 26 તાલુકામાં વરસાદ વરસ્યો, ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રીગણેશ કર્યા

ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રીગણેશ કર્યા
 
વરસાદ આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં  વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે બેસે તે પહેલાં જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રીગણેશ કર્યા છે.


હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય એવી શક્યતા છે. જોકે, અમરેલીમાં વાવણી લાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રીગણેશ કર્યા છે.

મહીસાગર સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના કડાણા તાલુકામાં આવેલી રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામોમાં 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. બીજી તરફ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પડ્યો હતો.


ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણાના કડી પંથકમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીની થોડી રાહત મળી હોય તેઓ અનુભવ જોવા મળ્યો હતો. એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું. જે બાદ અચાનક જ પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તો અરવલ્લી જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સાંજે સાત વાગ્યે એકાએક પવન ફૂંકાયો હતો અને વવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમાં ખાસ યાત્રાધામ શામળાજી, રતનપુર બોર્ડર, અણસોલ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. જ્યારે મેઘરજ તાલુકાના કસાણા નવાગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.


સોમવારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયાં હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તે સિવાય આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરનાં ઘુમા, બોપલ, સિંધુભવન રોડ, ભાડજ, આંબલી, ઇસ્કોન, જગતપુર, ગોતા, ન્યુ ગોતા, રાણીપ, ચાંદખેડા, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.


દાહોદ જિલ્લામા વાતાવરણમાં અચાનક પલટો આવતા મોડી રાતે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો, દિવસભરના ઉકળાટ બાદ મોડી રાતે ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ હતું. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના સંજેલી, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, સીંગવડ તાલુકાઓમા વરસાદ વરસ્યો હતો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારો માં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી, ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી હતી.


અમરેલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ધોધમાર બેટિંગ કરીને મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના લીધે બપોરે જમીનમાંથી બાફ નીકળતાં અસહ્ય બફારાના કારણે અમરેલીવાસીઓ સેંકાયા હતા. જોકે ફરીથી આકાશમાં કાળાં ડિંબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જાફરાબાદ તાલુકાના સરોવડા, બારપટોળી સહિતનાં ગામમાં વરસાદ પડ્યો છે. રાજુલામાં સાંઈબાબા મંદિર નજીક આવેલી સરકારી શાળાનો વાઇફાઇ ટાવર ધરાશાયી થતાં નીચે કેટલાંક જૂનાં મકાનોમાં નળિયાં તૂટયાં હતાં. બીજી તરફ રાજુલા બાયપાસ નજીક વીજપોલ પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. જોકે પીજીવીસીએલ ટીમે ઘટનાસ્થળે પોંહચી વીજપોલ હટાવીને રસ્તો પૂર્વવત્ કરાવ્યો હતો. આ તરફ જિલ્લાના ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડચાં ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં વહેતી થઇ હતી.


જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં ખેડૂતે પશુ માટે રાખેલી નીરણવાળા મકાનમાં વીજળી પડતા આગ લાગતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી. ગ્રામજનોએ રાજુલા નગરપાલિકાને જાણ કરતા ફાયર ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ તરફ જિલ્લાના ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડચાં ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં વહેતી થઇ છે. ધાવડિયા અને ગીદરદી ગામની સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. તો વાવેરા સહિત ગામડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


રવિવારે પણ રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસ્યો હતો, જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં હતાં. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું.