રિપોર્ટ@રાજકોટ: 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ થયું, તેને દીકરાને જન્મ આપ્યો

11 મહિનાથી પીડિતા સાથે દુષ્કૃત્ય થતું હતું
 
 રિપોર્ટ@રાજકોટ: 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ થયું, તેને  દીકરાને જન્મ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  દુષ્કર્મની ઘટનાઓ  સામે આવતી હોય છે.   જસદણ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ આવી જેણે પોલીસકર્મીઓને પણ વિચારતા કરી દીધા. ફરિયાદ લઈને આવેલી એક મહિલાએ કહ્યું, મારી 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ થયું છે અને તેણીએ દીકરાને જન્મ આપ્યો છે. દુષ્કર્મના આરોપી મારો પતિના કૌટુંબિક ભાઈ અને ભત્રીજો છે. પોલીસે જ્યારે વિગતે જાણકારી માગી તો માન્યામાં પણ ન આવે એવી હકીકત ખુલ્લી પડી હતી.

જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી.જાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું, જસદણ પાસેના નાનકડા ગામના પીડિતા પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ હતા. એમાં પીડિતા તેના માતા-પિતાનું ત્રીજું સંતાન છે. પીડિતાથી નાની બહેન અને સૌથી નાનો ભાઈ છે.


પીઆઈ જાનીએ કહ્યું, 13 વર્ષની દુષ્કર્મ પીડિતાએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. હાલમાં એ ભણતી નથી. તેના માતા-પિતા ખેતમજૂરી કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. કિશોરી સાથે કૃત્ય આચરનાર આરોપી તેના જ કૌટુંબિક કાકા તથા કૌટુંબિક ભાઈ છે. પીડિતા અને તેના કૌટુંબિક ભાઈના ઘરની એક જ દીવાલ છે. જેથી પોતાના ઘરના ધાબા પરથી બાળકીના ઘરના ધાબે જતો હતો.

પીડિતાએ બાળકને જન્મ આપ્યાના અંદાજે 2 મહિના બાદ દુષ્કર્મની ફરિયાદ કરાઈ છે.

પીડિત છોકરી ઉપરના માળે રહેતી હતી. જેથી ઘરે કોઈ ન હોય ત્યારે આરોપી કાકા અને ભાઈ ધાબેથી આવતા હતા. આશરે 11 મહિના અગાઉ પહેલીવાર બાળકીને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. પછી એ જ સિલસિલો ચાલતો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કૌટુંબિક ભાઈએ 3 વાર તથા કૌટુંબિક કાકાએ 2 વાર અધમ કૃત્ય કર્યું હતું. છેલ્લે તેણીની સાથે 3 મહિના પૂર્વે પણ દુષ્કર્મ થયું હતું. તેની સાથે દુષ્કૃત્ય કરનાર કાકા અને ભાઈ બંને મજૂરી કામ કરે છે. કૌટુંબિક ભાઈ 10મુ ધોરણ નાપાસ છે. જ્યારે કાકા 10મુ ધોરણ પાસ છે.

ડૉક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી દીકરીને સાડાઆઠ મહિનાનો ગર્ભ છે
પોલીસે કહ્યું, 3 મહિના અગાઉ પીડિતાના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાં સુધી પરિવારના આ બાબતની કોઈ જાણકારી ન હતી. બીમાર પડેલી દીકરીને લઈને પરિવાજનો પહેલીવાર એક ડૉક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરને શંકા જતા પ્રેગ્નન્સી કિટ મારફતે ચકાસણી કરી હતી. આ ઉપરાંત બાળકીની સોનોગ્રાફી કરાવવા માટે પણ મોકલ્યા હતા. સોનોગ્રાફીમાં ખબર પડી કે બાળકીને સાડા આઠ મહિનાનો ગર્ભ છે. ત્યાં સુધી એના માતા-પિતાને દીકરીએ કાંઈ કહ્યું નહોતું. આ ઉપરાંત પીડિતાના બોડી સ્ટ્રક્ચરમાં પણ હોર્મોનલ ચેન્જીસ પરિવારજનો ઓળખી શક્યા નહોતા અથવા પીડિતા થોડી હેલ્ધી બોડી ધરાવે છે જેથી કોઈને ખ્યાલ નહીં આવ્યો હોય એવું બની શકે.

પીડિતા પ્રેગ્નેન્ટ છે એ વાતની જાણ થયા પછી બધા ઘરે ગયા હતા. ત્યારે પીડિતાના પરિવારે ઘરના અન્ય સભ્યોની સાથે આરોપીના પરિવારને પણ આખા ઘટનાક્રમ અંગે જાણ કરી હતી અને કહ્યું હતું કે તમારા છોકરાઓએ આવું કર્યું છે. ત્યારે સગીર આરોપીના પિતાએ પીડિત પરિવારને જ ધાકધમકી આપી હતી. સગીર આરોપીના પિતાએ કહ્યું કે, હું કહું છું એમ કરો. નહીંતર તમને બધાને કૌટુંબિક રીતે બૉયકોટ કરીશ. આ પગલું તમારા માટે સારું નહીં રહે. તમને બધાને નાત બહાર કરીશું. કુટુંબમાં બોલાવીશું પણ નહીં. આ ઉપરાંત તેણે પોતે જ બાળકનો નિકાલ કરવાનો રસ્તો શોધવાની વાત કરી હતી.

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપી સગાવ્હાલાં જ હતા. એટલે બધાએ જે તે સમયે કૌટુંબિક મામલો ગણ્યો હતો. જેથી સમાધાનમાં એવું નક્કી થયું હતું કે દુષ્કર્મ આચરનાર બંને આરોપી ભોગ બનનાર દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી આ પરિવારથી દૂર જતાં રહેશે. ત્યાર બાદ લગભગ ત્રણ-ચાર અઠવાડિયા સુધી આરોપીઓ ગામથી દૂર રહ્યાં હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ ધાકધમકીથી મામલો ઠારે પાડ્યા બાદ સગીર આરોપીના પિતા ડૉ.રાદડિયાને મળવા ગયા. રાદડિયા આશરે 10 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેમને આરોપીના પિતાએ માંડીને આખી વાત કરી હતી. ડૉ.રાદડિયાએ કહ્યું હતું કે હા, હું ડિલીવરી કરાવી આપીશ. એવું પણ નક્કી થયું કે પરિવારે 70 હજાર રૂપિયા ડૉક્ટરને આપવા પડશે. એ પછી બાળકની જવાબદારી ડૉક્ટરની રહેશે. સગીર આરોપીના પિતાએ ઘરે આવીને ફરીથી કુટુંબના કેટલાક લોકોને આ બાબતે જાણ કરી હતી. પછી ભોગ બનનાર કિશોરી, તેણીની માતા તથા અન્ય એક મહિલા ડૉક્ટર પાસે ગયા હતા. બાળકીને 20 જાન્યુઆરીના રોજ પ્રિમેચ્યોર નોર્મલ ડિલિવરી થઈ હતી. તેણીએ દીકરાને જન્મ આપ્યો હતો. પીડિતાની ડિલિવરી થાય બાદ ડૉ.રાદડિયાએ એ બાળકને અન્ય એક પરિવારને આપી દીધું હતું.

પીઆઇ ટી.બી.જાનીએ કહ્યું, ડૉક્ટર રાદડિયાએ આવી રીતે કોઈ અન્યની ડિલિવરી કરાવી હોય કે બાળક આપ્યાનું હજુ સામે આવ્યું નથી. ડૉક્ટરે પોતે પણ હજુ સુધી એવી કોઈ કબૂલાત આપી નથી. બની શકે કે બાળક લેનાર પરિવાર કદાચ આ ઘટના અગાઉ જ ડૉક્ટર રાદડિયાને મળી ગયા હોય.

ડૉક્ટરે એમ જ કહે છે કે જે દંપતીને તેણે બાળક આપ્યું છે એ નિ:સંતાન હતા. એટલે મેં એમનેએમ જ બાળક આપ્યું છે. બાળક લેનાર પરિવાર પણ આવું જ નિવેદન આપે છે. જો કે હજુ ઇન્ટ્રોગેશન બાકી છે. બાળક લેનાર પરિવાર પણ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. એ પણ લોઅર મિડલ ક્લાસ પરિવાર જ છે. બાળક લેનાર પરિવારને આરોપી નથી બનાવ્યા. ક્લિનિક અંગે હેલ્થ ઓફિસરને જાણ કરવામાં આવી છે. તેમજ આરોપીના DNA લઈને આગળ તપાસ ચાલુ છે.

કૌટુંબિક રીતે સમાધાન થયા બાદ થોડા સમય સુધી બંને આરોપીઓ ગામથી દૂર રહ્યાં હતા. પરંતુ પાછા આવી ગયા હતા. એમાં પણ સગીર આરોપી એટલે કે પીડિતાનો કૌટુંબિક ભાઈ અવારનવાર ઘર પાસે આવતો હતો. એના ઘરે જતો હતો. જેથી ભોગ બનનારના પરિવારજન અને આરોપીના પરિવાર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી. દીકરીનો પરિવાર કહેતો કે આ છોકરાને દૂર મોકલી દો. પરંતુ આરોપીના પરિવારના લોકો માનતા નહોતા. વળી એમ પણ કહેતા કે અમારા દીકરાનો કોઈ વાંક નથી. અંતે પીડિતાનો પરિવાર પોલીસ સમક્ષ આવ્યો હતો. પોલીસે ડૉક્ટર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ધાકધમકી આપનાર અને ડૉક્ટર સાથે બાળકની ડીલ કરનાર એક આરોપી ફરાર છે.