રિપોર્ટ@રાજકોટ: થોડા દિવસ પહેલા ગુમ થયેલ 2 બાળકો હેમખેમ મળી આવ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જેતપુરમાંથી ચાર દિવસ પહેલાં ગુમ થયેલ બંને બાળકો હેમખેમ મળી આવતાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બનાવમાં રૂરલ એલસીબી સહિતના પોલીસે ભાદર કાંઠો ખૂંદી નાંખ્યા બાદ બાળકો મળી આવતાં રાહતનો શ્વાસ લીધો હતો.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી ગુરુવાર સાંજના સમયે અજીતકુમાર ગિરજાપ્રસાદ ચૌધરી (ઉ.વ.6) અને સોહેલખાન નઝીમખાન મન્સુરી (ઉ.વ.7) મૂળ બિહારના વતની પરિવારના બે બાળક ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયા હતાં. આથી ગીરજાપ્રસાદે ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે બાળકોની સઘન શોધખોળ શરૂ કરી હતી તેમજ બાળકોના ફોટાઓ સોશિયલ મીડિયાના માધ્યમ થકી ફોટાઓ વાયરલ કર્યા હતાં.
દરમિયાન રાજકોટ શહેરમાં પ્ર. નગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રિયાઝભાઈ સુમરાને વોટ્સએપ સ્ટેટ્સ મારફતે બે બાળકો રેલવે સ્ટેશને હોવાની જાણ એલસીબીના પીએસઆઈ ડી.જી.બડવાને કરતાં તેઓએ બાળકોના ફોટાઓ મોકલી જાણ કરતા વેરીફાઈ કરતા બન્ને બાળકો ગુમ થનાર બાળકો હોય જેથી તાત્કાલીક ટીમ મોકલી બન્ને બાળકોનો કબજો મેળવી બંને બાળકોના માતા પિતા સાથે સુખદ મીલન કરાવેલ હતું.
બંને બાળકો ગુમ થયાં બાદ રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ વિ.વી.ઓડેદરા સહિતની પોલીસ ટીમોએ જેતપુર ભાદર કાંઠાનો વિસ્તાર ખૂંદી નાંખ્યો હતો. દરમિયાન બાળકો મળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો.