રિપોર્ટ@રાજકોટ: 3 વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી, 108 મારફત હોસ્પિટલમાં ખસેડાઇ

બાળકી પર ક્રૂરતા દાખવનાર આ નરાધમની શોધખોળ
 
 રિપોર્ટ@રાજકોટ: 3 વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી, 108 મારફત હોસ્પિટલમાં ખસેડાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  બળાત્કારની ઘટનાઓ  ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળાત્કારના બનાવ સામે આવતા હોય જ છે.  રાજકોટની જનાના હોસ્પિટલના બેડ પર ઇજાગ્રસ્ત હાલતમાં સૂતેલી તે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકીને જોઇને હૈયું હચમચી જાઇ, તેને જોતા જ તેના પર વહાલ ઉપજે તેવી એ માસૂમ પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં શારીરિક અત્યાચાર કરી તેને શાપરમાં હાઇવે પર ફેંકી દેવામાં આવી હતી. માનવતાને શર્મસાર કરતી આ ઘટનામાં સંડોવાયેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે પરંતુ હજુ સુધી પોલીસને તેની ભાળ મળી નથી.

રાજકોટની ભાગોળે શાપરમાં હાઇવે પર કસુંબા બેરિંગ ગેટની સામેથી શનિવારે બપોરે સવા વાગ્યે સાડા ત્રણ વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં પડી હતી. એ વખતે જ ત્યાંથી કારમાં પસાર થઇ રહેલા શાપરના પાર્થ રાઠોડની નજર આ કચડાયેલા ફૂલ પર પડી હતી અને તેમણે પોતાની કારને ઊભી રાખી બાળકીને ઉઠાવી અને નજીકમાં આવેલી દુકાન પાસે બેસાડી હતી. બાળકીના ચહેરા પર અને ગુપ્તાંગમાં ઇજાના નિશાન દેખાતા હતા. ચહેરા પરથી લોહી વહેતું હતું. આ અંગે તેમણે જાણ કરતાં વિલાસબેન ઠાકુર સહિતનો 108નો સ્ટાફ પહોંચ્યો હતો અને બાળકીને અેમ્બ્યુલન્સમાં સુવડાવી તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ કરાતા શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે.ગોહિલ સહિતની ટીમ દોડી આવી હતી. બાળકીના ગુપ્તાંગમાં ઇજાના નિશાન હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તપાસ શરૂ કરતાં બાળકી શાપરમાં ગંગા ફોર્જિંગના ગેટની અંદર ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. બાળકી શનિવારે સવારે ઘર નજીક રમતી હતી ત્યારે એક શખ્સ તેને ઉઠાવી ગયો હતો અને અવાવરુ સ્થળે લઇ જઇ બાળકી પર દુષ્કર્મ આચરી તેને હાઇવે નજીક ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું. બાળકીને ધક્કો મારી પછાડવામાં આવી હોવાથી તેના ચહેરા પર પણ ગંભીર ઇજા થઇ હતી. પોલીસે બાળકીના ઘરથી બાળકી જ્યાંથી મળી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શખ્સ કેમેરામાં કેદ થયો હતો તેની શોધખોળ શરૂ કરી છે. પીએસઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાળકીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ બાદ બાળકી પર દુષ્કર્મ થયું હતું કે કેમ તે સ્પષ્ટ થશે જોકે હાલ તૂર્ત પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડવા આકાશપાતાળ એક કર્યા છે.

પેરેલલ ઇન્વેસ્ટિગેશન

બાળકીના ચહેરા પર દેખીતી રીતે ઇજા દેખાતી હોવાથી શરૂઆતમાં તેને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. તબીબોએ બાળકીની તપાસ કરતાં તેને ગુપ્તાંગમાં પણ ગંભીર ઇજા દેખાતા તેની સાથે અજુગતું થયાની શંકા ઉપજી હતી અને બાળકીને જનાના હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. તબીબોઅે જણાવ્યું હતું કે, બાળકીને ચહેરા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકવામાં આવ્યો હોય કે ધક્કો મારતા પટકાવાથી બાળકીના નાકનું હાડકુું ભાંગી ગયું છે. તેમજ ગુપ્તાંગમાં દોઢ સેન્ટિમીટર જેટલો કાપો જોવા મળ્યો હતો. બાળકી પર દુષ્કર્મ થયાની દૃઢ શંકા ઉપજી હતી અને સેમ્પલ લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. બીજીબાજું શાપર પોલીસે તપાસ આગળ ધપાવી હતી. બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે એક શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને તે શખ્સે બાળકીને પોતાની પાસે બોલાવી ફોસલાવીને ઉઠાવી લીધી હતી. બાળકીને તેડીને તે શખ્સ ચાલતો થયો હતો. આ શખ્સ બાળકીને અવાવરુ સ્થળે લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચરી હાઇવે પર બાળકીને ફેંકીને નાસી ગયો હતો.

બાળકીનું નાકનું હાડકું ભાંગી ગયું, ગુપ્તાંગમાં ગંભીર ઇજા. બાળકી પર ક્રૂરતા દાખવનાર આ નરાધમની શોધખોળ