રીપોર્ટ@રાજકોટ: કાળી સવાર: 3 કલાકમાં 3 આપઘાત,શહેર હચમચી ગયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાં આજે 27 નવેમ્બરે સવારે માત્ર ત્રણ કલાકમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ વ્યક્તિના આપઘાતની ઘટના સામે આવી છે. એક જ સવારે ત્રણ ઘટના બનતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. ત્રણેય ઘટના અલગ-અલગ વિસ્તારમાં બની છે અને ત્રણેય વચ્ચે કોઈ સંબંધ નથી.
*1. બહુમાળી ભવનમાં મહિલા કર્મચારીનું મોત*
પ્રથમ ઘટના શહેરના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની ઓફિસમાં બની હતી. અહીં 60 વર્ષીય મહિલા પ્યુન પ્રભાબેન સરવૈયાનું મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
*2. એક્વા બ્લુ એપાર્ટમેન્ટમાં વૃદ્ધનું મોત*
બીજી ઘટના રાજકોટ શહેરના એક્વા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળે બની હતી. અહીં 83 વર્ષીય વૃદ્ધ કાંતિલાલ રામાણીનું મોત થયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લેતા હતા. તેઓ માનસિક બીમારી અનુભવતા હતા અને સતત ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
હાલમાં તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક વૃદ્ધ નિવૃત્ત જીવન ગાળતા હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેમાં દીકરો રાજકોટમાં સાથે રહેતો હતો અને દીકરી અમદાવાદ સાસરે રહેતી હતી. વૃદ્ધના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
*3. જંકશન પ્લોટ વિસ્તારમાં યુવકનું મોત*
ત્રીજી ઘટના શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં જંકશન મેઈન રોડ સ્થિત જય એપાર્ટમેન્ટના ત્રીજા માળે બની હતી. અહીં યુવક દિલીપ રાઠોડનું મોત નીપજ્યું છે.
સવારે 8થી 8.30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં યુવતીના ફ્લેટ પર તેના માતા-પિતા આવી પહોંચતા ડરના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા મૃતક દિલીપ રાઠોડ અને એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી તેની મિત્ર વચ્ચે સંબંધ હતા અને યુવતીની અન્યત્ર સગાઈ થવાની હોવાથી બંને સવારે ફ્લેટ પર વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીના માતા-પિતા આવી પહોંચ્યા અને બહારથી દરવાજો ખટખટાવવા છતાં ન ખોલતા ડરના માર્યા યુવકે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે ફ્લેટમાં યુવતીની એક અન્ય મિત્ર પણ હાજર હતી.
*પોલીસની તપાસ ચાલુ*
ત્રણેય ઘટનામાં પોલીસે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે.

