રિપોર્ટ@રાજકોટ: GISFનો સુપરવાઇઝરને 1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લંચના કેસ ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરાવવા માટે લાંચની ચુકવણી કરવી પડતી હોય છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીકથી રાજકોટ લાંચ રુશ્વત વિરોધી શાખાએ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (જીઆઇએસએફ)માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જગુ રામ વાંજાને રૂ.1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
રાજકોટ શહેર એસીબી પોલીસ મથકના પી.આઇ એ.આર.ગોહિલે લાંચના બનાવની વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (જીઆઇએસએફ)માં ફરજ બજાવતા ગાર્ડ રૂબરૂ પોલીસ મથક આવી ફરિયાદ કરી હતી કે તેના સુપરવાઇઝર જગુ વાંજા વારંવાર હેરાન કરી પોતાનું રોજ ફરજનું સ્થળ બદલતા રહે છે. જેથી પોતાને અવારનવાર ફરજનું સ્થળ નહિ બદલાવવાની સુપરવાઇઝર જગુ વાંજાને વાત કરતા તેને જો નોકરીમાં ફરજનું સ્થળ બદલવું ન હોય અને નોકરીમાં ખોટી હેરાનગતિ ન થાય તો રૂ.1 હજારના લાંચની માગણી કરી હતી.
સુપરવાઇઝરે લાંચની માગણી કરતા અને પોતાને લાંચની રકમ આપવી ન હોય એસીબીમાં આવી ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ ગાર્ડે સુપરવાઇઝરને લાંચની રકમ દેવાની હા પાડતા સુપરવાઇઝર જયુ વાંજાએ ગુરુવારે કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ નજીક સાંજે લાંચની રકમ આપી જવાની વાત કરી હતી. લાંચની રકમ દેવાનું સ્થળ અને સમય નક્કી થયા બાદ મોલ પાસે છટકું ગોઠવ્યું હતું અને ગાર્ડ પાસેથી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ છટકામાં ગોઠવાયેલી એસીબીના સ્ટાફે સુપરવાઇઝર જગુ વાંજાને રંગે હાથ ઝડપી લીધો હતો.