રિપોર્ટ@રાજકોટ: લોકમેળો બીજા દિવસે વરસાદમાં ધોવાયો, મેદાનમાં 1થી 2 ફૂટ પાણી ભરાયા
સૌરાષ્ટ્રવાસીઓની મજા પાણીમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના લોકમેળામાં આ વખતે સૌરાષ્ટ્રવાસીઓની મજા પાણીમાં ફેરવાઇ ગઈ છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસતા રાજકોટના લોકમેળામાં કાગડા ઉડી રહ્યા છે અને માત્ર એકલ દોકલ લોકો મેળામાં નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકમેળામાં ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે વરસાદના કારણે લોકમેળો ફીકો બની ગયો છે. લોકમેળાના મેદાનમાં એકથી બે ફૂટ જેટલા પાણી ભરાય ગયા છે.
રાજકોટમાં રેસકોર્સ મેદાનમા જન્માષ્ટમીના લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત કડક નિયમોને કારણે રાઇડસ વિનાનો મેળો શરૂ થયો અને બાદમા સતત 2 દિવસ સુધી વરસાદને લીધે મેળો ધોવાઈ ગયો અને વેપારીઓને લાખોની નુકશાની ભોગવવાનો સમય આવ્યો. દરમિયાન મોટી 31 રાઈડસ હજૂ શરૂ જ નથી થઈ દરમિયાન આજે રાજકોટ કલેક્ટર પ્રભવ જોષી સાથે રાઈડસ સંચાલકોની બેઠક હતી. જેમાં માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ સહીતની પૂર્તતા કરવા આદેશ કરાયો છે બાદમા રાઈડસ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ વખતે રાઈડસ સંચાલકો દ્વારા મેળો 4 દિવસ લંબાવવા માંગ કરવામા આવી છે. એટ્લે કે 24 ઓગસ્ટથી શરૂ થયેલો ધરોહર લોકમેળાના દિવસો 28 ઓગષ્ટથી વધારી 1 સપ્ટેમ્બર સુધી લંબાવવા માંગ કરવામા આવી છે. જોકે દિવસો વધારવામાં આવશે કે કેમ તેનો નિર્ણય હવે કલેકટર દ્વારા લેવામાં આવશે.
સામાન્ય રીતે સાતમ અને આઠમના દિવસ દરમિયાન સવારથી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી હૈયે હૈયું દળાઇ તે રીતે 5 લાખથી વધુ લોકો રાજકોટના લોકમેળાની મજા માણતા હોય છે. મેળામાં દર વર્ષે બાળકોની ચિચિયારી, અવનવા ગીતો તેમજ પરિવારજનો અને મિત્રો સાથે આંનદ અને ઉલ્લાસના દ્રશ્યો નજરે પડતા હોય છે. પરંતુ આ વખતે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટના લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટમાં આ વર્ષે પહેલાથી જ લોકમેળો ચકડોળે ચડી ગયો છે. યાંત્રિક રાઇડ્સ સંચાલકોને SOPનું પાલન કરાવવા બાબતે વિવાદ થયો અને રાત્રિના સમયે સંચાલકોને રાઇડ્સ કામગીરી શરૂ કરવા મૌખિક મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે વરસાદ શરૂ થતા મેળામાં પાણી ભરાઇ જતા મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સાત ઇંચ વરસાદમાં લોકમેળાનું મેદાન પાણી પાણી થઈ ગયું હતું અને આજે સતત બીજા દિવસે સવારથી વરસાદ વરસતા મેળામાં પાણી ભરાયેલા યથાવત્ જોવા મળ્યા હતા. પાણી ભરાતા સ્ટોલ રમકડાં, ખાણી પીણી, આઈસ્ક્રિમ સહિતના સ્ટોલ ધારકોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે, દર વર્ષે મોટાભાગની ઘરાકી મેળામાં સાતમ અને આઠમના દિવસે થતી હોય છે અને આજે બે દિવસથી વરસાદ વરસતા વેપારીઓ દ્વારા તંત્ર પાસે મેળાના દિવસોમાં વધારો કરવા માટે માગ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 26 ઓગસ્ટ છે અને આગામી 28 ઓગસ્ટના રોજ લોકમેળો સમાપ્ત થઇ રહ્યો છે. તેવામાં સ્ટોલધારકો દ્વારા દિવસો વધારી મેળાને લંબાવવા માંગ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ બાબતે તંત્ર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.