રિપોર્ટ@રાજકોટ: 2 મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધારે કેસ નોધાયા

ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂના કેસો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં આરોગ્યની જાળવણી કરવી ખુબજ જરૂરી છે. નહીતો શરીરમાં કેટલાય રોગો પ્રવેશ કરી શકે છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રોગચાળો સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, સરકારે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ સામે આવતા નથી. રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં સ્વાઇન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેને લઈ લોકોને સાવધાન રહેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.


સીનર્જી હોસ્પિટલનાં ડો. જયેશ ડોબરીયાનાં જણાવ્યા મુજબ, અમારું ડોક્ટર્સનું ગ્રુપ છે અને લેબોરેટરીનાં મિત્રો સાથે પણ અમે સતત સંપર્કમાં રહીએ છીએ. જેમાંથી મળેલા તારણ મુજબ રાજકોટમાં છેલ્લા એકથી બે માસ દરમિયાન જ સ્વાઇન ફ્લૂનાં 150થી 200 કેસ નોંધાયા છે. સામાન્ય રીતે દર શિયાળામાં સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળતા હોય છે. જોકે, હાલ ઉનાળાની શરૂઆતમાં પણ છેલ્લા 20 દિવસથી સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. સ્વાઇન ફ્લૂને આપણે H1N1 ફલૂ પણ કહી શકીએ છીએ.


વર્ષ 2009માં કોરોનાની જેમ સ્વાઇન ફ્લૂ પણ પેંડેમીક જાહેર થયો હતો. ત્યારે અનેક લોકોના મોત પણ થયા હતા. સ્વાઇન ફ્લૂનાં લક્ષણોમાં ગળું દુઃખવું, તાવ આવવો, માથું દુઃખવું અને કળતર થવી જેવા હોય છે. ઉપરાંત 2 દિવસમાં તાવ ઉતરી જાય પછી 4-5 દિવસમાં વધારે ઉધરસ થયા બાદ ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂ ચેપી રોગ છે. જ્યારે કોઈ દર્દીને પૂછીએ કે ઘરમાં કોઈને તાવ હતો? ત્યારે જવાબ મળે છે કે હા. થોડા દિવસ પહેલા ઘરમાં બાળકો કે વડીલને તાવ આવ્યો હતો.


સ્વાઇન ફ્લૂ ચેપી રોગ હોવાથી તેમજ ઉધરસ અને શ્વાસ દ્વારા ફેલાતો હોવાથી ઘરમાં કે બહાર તેનો ફેલાવો ન થાય તે માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ. તેમજ ઓફિસમાં કોઈને તકલીફ હોય તો બીજા લોકોમાં ફેલાય નહીં તે માટે સ્વેચ્છાએ બે-ત્રણ દિવસ રજા લેવી જોઈએ. આવી જ રીતે બાળકોને તકલીફ થાય તો તેને સ્કૂલે મોકલવા જોઈએ નહીં. ઓવર ધ કાઉન્ટર એટલે કે, ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી લેવાતી દવાઓ જરાય હિતાવહ નથી. માટે આવી રીતે દવાઓ લેવાથી લોકોએ દૂર રહેવું જોઈએ.


ઉલ્લેખનીય છે કે, એક સમયમાં સ્વાઇન ફ્લૂ કોરોનાની માફક એક પેંડેમીક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ કોરોનાની માફક માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં સ્વાઇન ફ્લૂનું જોર ઘટતા આ પ્રતિબંધ હટાવી લેવાયા હતા. આ પછી કોરોના આવ્યા બાદ તો સ્વાઇન ફ્લૂ સાવ ભુલાઈ ગયો હતો. જોકે, આ સ્વાઇન ફ્લૂ ફરીથી ડોકાયો છે. પણ સરકારે તેને સામાન્ય ફ્લૂ જાહેર કર્યો હોવાથી તેના માટે ખાસ તકેદારી જોવા મળતી નથી. આ રોગ વધુ ફેલાય તે પહેલાં લોકોએ ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર હોય તેવું તો સ્પષ્ટ જણાઈ રહ્યું છે.