રિપોર્ટ@રાજકોટ: માતા કામ કરવા ગઈ ને ઘરે એકલી રહેલી દીકરી ગુમ, જાણો વધુ વિગતે

શોધખોળ બાદ પણ પુત્રી ના મળી
 
રિપોર્ટ@રાજકોટ: માતા કામ કરવા ગઈ ને ઘરે એકલી રહેલી દીકરી ગુમ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં અપહરણના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અપહરણની ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજકોટનાં અમીન માર્ગ પરથી નેપાળી તરૂણી ભેદી રીતે ગુમ થતા પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે પુત્રી નહીં મળતા પરિવારે માલવીયાનગર પોલીસ મથક ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે તરુણીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.


બનાવ અંગે અમીન માર્ગ પર રહેતાં મૂળ નેપાળના વતની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ અને તેમના પતિ પાલીતાણામાં સિક્યુરિટીની નોકરી કરે છે. તેણીને સંતાનમાં બે પુત્રી છે. જેમાથી મોટી 19 વર્ષની પુત્રી નેપાળમાં રહે છે અને 16 વર્ષની નાની પુત્રી તેઓની સાથે રહે છે. ગત તારીખ 12મી એપ્રિલ 2024ના સવારના સમયે બાજુમાં આવેલા ફલેટમાં ઘરકામ કરવા ગયા હતાં, ત્યારે તેમની પુત્રી એકલી ઘરે હતી.


બાદમાં તેઓ ઘરે આવતા પુત્રી ગાયબ હતી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી શેઠાણીને આ બાબતે વાત કરી હતી અને પુત્રીની સાંજ સુધી તપાસ કરવા છતા મળી આવી ન હતી. આ દરમિયાન પતિ પણ આવી જતા અને તેઓએ પણ તપાસ કરતા પુત્રીની ભાળ મળી ન હતી. તેઓની સગીર પુત્રીને કોઈ શખ્સ અપહરણ કરી નાસી છૂટ્યો હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી છે. હાલ માલવીયાનગર પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.