રિપોર્ટ@રાજકોટ: મ્યુનિ. કોર્પોરેશન 219 જગ્યા માટે પાંચ હજાર જેટલી અરજી કરવામાં આવી

 વધુ અરજીઓ આવ્યાનું જાણવા મળ્યું છે
 
 રિપોર્ટ@રાજકોટ: મ્યુનિ. કોર્પોરેશન  219 જગ્યા માટે પાંચ હજાર જેટલી અરજી  કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જુદી જુદી 9 કેડર માટે ભરતી બહાર પાડવામાં આવતા 219 જગ્યા માટે પાંચ હજાર જેટલી અરજીનો ઢગલો થયો છે. તેમાં જુનીયર કલાર્કની 128 જગ્યા માટે જ 4 હજારથી વધુ અરજીઓ આવ્યાનું જાણવા મળ્યું છે. બેરોજગારીની સ્થિતિ અને દર વધુ એક વખત જુનીયર કલાર્કની પરીક્ષામાં દેખાયા છે. જેમાં ઘણા પોસ્ટ ગ્રેજયુએટથી માંડી એન્જીનીયર સુધીના ઉમેદવારોએ અરજી કર્યાનું પણ જાણવા મળ્યું છે.

મહાપાલિકા દ્વારા 9 કેટરમાં ભરતીની કાર્યવાહી શરૂ કરીને તા.10 જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. હજુ આ જાહેરાત આવ્યાને સપ્તાહ પણ થયું નથી અને હજુ અરજી કરવા માટે 12 દિવસની મુદ્દત છે. આથી અરજદારોનો આંકડો ભૂતકાળના રેકોર્ડ પણ તોડે તેમ છે.

ત્રણેક વર્ષ પહેલા કોર્પોરેશનમાં જુનીયર કલાર્કની ભરતી કરવામાં આવી હતી. આ સમયે અરજદારોની સંખ્યા પાંચ આંકડામાં હતી. તે બાદ પ્રોબેશન પીરીયડમાં અન્ય જગ્યાએ સારી તક મળવા કે આ કેડરમાં પ્રમોશન થવા સાથે ફરી જગ્યાઓ ખાલી પડતી ગઇ છે. ગત મહિને ભરતી માટેના આર.આર. સુધારવામાં આવ્યા છે. કમિશ્નર, શાસકો અને યુનિયનોએ સંયુકત રીતે ઘણી લાયકાતો સુધારી છે. વોર્ડ ઓફિસર કેડરમાં તમામ સ્નાતકોને તક આપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ કલાર્ક સહિતની જગ્યા ભરવા કાર્યવાહી શરૂ કરાઇ હતી.

ગત સપ્તાહે 128 કલાર્ક સહિત 219 જગ્યા ભરવા અરજી મંગાવાઇ હતી. માત્ર જુનીયર કલાર્કમાં જ ચાર હજાર જેટલા ઉમેદવારોએ ઓનલાઇન એપ્લીકેશન કરી દીધી છે. એકંદરે 219 જગ્યા માટે પાંચ હજાર જેટલી મનપામાં આવી ગઇ છે. હજુ છેલ્લી તારીખ સુધીમાં આ આંકડો ડબલને પાર કરે તેવી શકયતા છે.

સ્નાતક કક્ષાની ભરતીમાં જુનીયર કલાર્કમાં સૌથી વધુ ધસારો અગાઉની જેમ જ થયો છે. આથી આ પરીક્ષા માટે તો અગાઉની જેમ અનેક કેન્દ્રોમાં વ્યવસ્થાઓ કરવી પડશે. જુનીયર કલાર્ક ઉપરાંત બે સિસ્ટમ એનાલીસ્ટ, બે ગાર્ડન સુપરવાઇઝર, એક વેટરનરી ઓફિસર, બાર ગાર્ડન આસી., બે લાયબ્રેરી ટેકની. આસી., ચાર આસી. લાયબ્રેરીયન, ચાર જુનીયર ફીમેલ સ્વીમીંગ કોચ, 64 પુરૂષ ફાયર ઓપરેટરની જગ્યા માટે હાલ અરજીઓ લેવાઇ રહી છે.