રિપોર્ટ@રાજકોટ: પાણી, રોડ રસ્તા અને ગટર જેવી સુવિધાઓ ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા આવે છે, પણ અમારી સમસ્યા કોઈને દેખાતી નથી. અધિકારીઓ આવે છે અને થઇ જશે તેવું કહીને આંટો મારીને જતા રહે છે. પણ અમારી સમસ્યા ઠેરની ઠેર છે.
 
રિપોર્ટ@રાજકોટ: પાણી, રોડ રસ્તા અને ગટર જેવી સુવિધાઓ ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વિરોધની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે મહિલાઓ વિરોધ કરી રહી છે.પાણી, રોડ રસ્તા અને ગટર જેવી સુવિધાઓ ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. સારો વરસાદ અને નર્મદાનાં નીર મળતાં હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ-મેટોડા-કાલાવડ હાઈવે બ્લોક કરી દીધો. માથે બેડાં લઇ મહિલાઓ પહોંચતા હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરીએ છીએ તો RMC-RUDA એકબીજાને ખો આપે છે, તો શું અમે પાકિસ્તાનમાં આવીએ છીએ. જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના જ વિસ્તારમાં આવી સ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો વાત જ શું કરવી.

કણકોટ પાટિયા વિસ્તારમાં રહેતાં કાજલબેન મકવાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી ગટર, રોડ-રસ્તા તેમજ પાણીની સમસ્યા છે. અત્યાર સુધી કહેતા હતા કે, તમે કોર્પોરેશનમાં નથી આવતા, RUDAમાં પણ આવતા નથી. તો અમે શું પાકિસ્તાનમાં આવીએ છીએ? અમને જવાબ પણ કોઇ આપતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા આવે છે, પણ અમારી સમસ્યા કોઈને દેખાતી નથી. અધિકારીઓ આવે છે અને થઇ જશે તેવું કહીને આંટો મારીને જતા રહે છે. પણ અમારી સમસ્યા ઠેરની ઠેર છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી માગ છે કે સમસ્યા દૂર કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ તો આપો. અમારા કોર્પોરેટર લીલુબેન જાદવ અને સાગઠિયા ભાઈ સહિતનાને રજૂઆતો કરી છે, છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. નેતાઓ અને અધિકારીઓ આવે તો પણ હાથ જોડીને ખોટાં આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. હું પોતે ભાજપની કાર્યકર હોવા છતાં મારો ફોન ઉપાડતા નથી. જેને કારણે બે મહિનાથી મેં કાર્યક્રમોમાં જવાનું પણ બંધ કરી દીધું છે. અહીં સ્થાનિકો મને પૂછ-પૂછ કરે છે અને નેતાઓ મારો ફોન ઉપાડતા નથી.

આ વિસ્તારમાં પાણીની અને રોડ-રસ્તાની સમસ્યા છે. તેમજ વરસાદ આવે ત્યારે લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપવન સોસાયટી નામથી અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ક્વાર્ટર આવેલાં છે. જેમાં 600-700 ક્વાર્ટરમાં 10 હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે, છતાં તંત્રને અમારી કોઈ પડી નથી. અમારી સ્પષ્ટ માગ છે કે, તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે. જો આમ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરીશું.

અન્ય એક સ્થાનિક ચૌહાણ પ્રિયાબેનનાં જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં લાંબા સમયથી પાણીની મુશ્કેલી છે. અમારે પાણી વેચાતું લેવું પડે છે. અથવા દૂર-દૂર સુધી બેડાં લઈને પાણી ભરવા જવું પડે છે. આ મામલે કોર્પોરેશનમાં દર 6 મહિને રજૂઆતો કરીએ છીએ, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. ખોટા વાયદા કરે છે પણ કામ થતું નથી. જેને કારણે આજે અમે ચક્કાજામ કર્યો છે. તંત્ર સુધી અમારી વાત પહોંચાડવા માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. તાત્કાલિક અમારા વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી અમારી માગ છે.

આજે સવારના સમયે કણકોટના પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે મહિનાથી પાણી મળતું ન હોવાના આરોપ સાથે મહિલાઓ બેડાં લઈને રસ્તા પર ઊતરી આવી હતી. મહિલાઓ રસ્તા ઉપર ઊતરતા રાજકોટ-મેટોડા-કાલાવડ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. લાંબા સમયથી પાણી ન મળવાને કારણે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.