રિપોર્ટ@રાજકોટ: થોડા દિવસ પહેલા ગુમ થયેલ પ્રૌઢનું શંકાસ્પદ મોત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શાપરમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બિહારી પ્રૌઢનો મૃતદેહ સાઈનીંગ ગેટની સામે નેશનલ હાઈવે પરના નાલા નીચેથી મળતા શાપર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સીક પીએમમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડી બનાવ હત્યાનો છે કે અકસ્માત તે અંગે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સાઈનીંગ ગેટ પાસે ડી.એન.કાસ્ટ કંપનીમાં પુત્ર સાથે રહેતા વિનોદભાઈ બ્રિજાનંદભાઈ પ્રસાદ ગઈ તા.13ના શાંતિધામમા મજુરીકામે ગયા બાદ ગુમ થઈ ગયા હતા.
જે અંગે તેના પુત્ર રિતીકે શાપર પોલીસ મથકમાં તેના પિતા ગુમ થયાની નોંધ કરાવી હતી.
દરમ્યાન આજે વહેલી સવારે સાઈનીંગ ગેટની સામે નેશનલ હાઈવે પરના નાલા નીચે એક મૃતદેહ પડયો હોવાની શાપર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહની ઓળખ મેળવતા તે ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ વિનોદપ્રસાદ હોવાનું ખુલ્યુ હતું.
બનાવ અંગે તેના પુત્રને જાણ કર્યા બાદ મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાપર પોલીસે બનાવ હત્યાનો છે કે અકસ્માત તે અંગે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જયારે મૃતકના પુત્ર રિતીકે વધુમાં જણાવ્યાનુસાર તેના પિતા તેમની સાથે જ રહેતા હતા અને શાંતિધામમાં છુટક વેલ્ડીંગ કામ કરતા હતા.
કામ પરથી સાંજના સમયે રાહુલ નામના રીક્ષાચાલક તેઓને નાલા સુધી દરરોજ મુકવા આવતો હતો. ગઈ તા.13ના પણ તેજ રિક્ષાચાલક તેમને સાંજના પુલ નીચે ઉતારી ગયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતકના ખિસ્સામાંથી રૂા.100 મળી આવેલ હતા.