રિપોર્ટ@રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડની 1 લાખ પેજની ચાર્જશીટમાં શું શું છે?, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમા બનેલી ભયાનક દુર્ઘટનાએ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા હતા. આજે પણ એ ઘટના લોકો યાદ કરીને કંપી ઉઠે છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ગત 25.05.2024ના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ અગ્નિકાંડને 24 જુલાઈ, 2024ના રોજ બે મહિના પૂર્ણ થયા છે અને એ જ દિવસે શહેર પોલીસે કોર્ટમાં 1 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે.
આ ચાર્જશીટ માટે પોલીસે દિવસ રાત એક કરી નિવેદનો નોંધ્યા છે. માત્ર એટલું જ નહીં, કોર્ટમાં સાક્ષી ફરે નહીં એ માટે અલગ અલગ બે ફરિયાદમાં કલમ 164 મુજબ 59 લોકોના જ્યુડિશિયલ કન્ફેશન્સ લેવામાં આવ્યા છે. તેમજ પ્રકાશ જૈનનું મોત થઈ ગયું હોવાથી આરોપીઓએ તેને જ હથિયાર બનાવી છટકબારી શોધી હતી.
અગ્નિકાંડ બાદ રાજકોટ તાલુકા પોલીસે ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હિરણ, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિત 6 લોકો સામે નામજોગ અને તપાસમાં ખૂલે તે અન્ય સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સંચાલકો, મેનેજર, તેમજ મનપાના જવાબદાર અધિકારીઓ સહીત 15 આરોપીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 365 જેટલા લોકોના નિવેદન નોંધી 59 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.