રિપોર્ટ@રાજકોટ: મહિલા સાથે રૂ.25 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ

ગાંધીગ્રામ પોલીસે શોધખોળ હાથ ધરી
 
રિપોર્ટ@રાજકોટ: મહિલા સાથે રૂ.25 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાગેશ્વરમાં રહેતાં અંજનાબેન પનારા નામની મહિલા સાથે પૂર્વ પતિએ મકાન પર લોન લઈ ભરણપોષણની રકમ આપ્યા બાદ તે લોન ભરવા પૂર્વ પતિએ હાથ ઊંચા કરી દેતા મહિલા સાથે રૂ.25 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ હતી.

બનાવ અંગે જામનગર હાઇવે પર નાગેશ્વર જૈન મંદિર પાસે રહેતાં અંજનાબેન જીજ્ઞેશભાઈ પનારા (ઉ.વ.44) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જીગ્નેશ પનારા, રેખાબેન પનારા, ડિમ્પલ બુરવા અને એકતા મિતેષ વૈદ્યનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઇપીસી કલમ 406,420 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદમાં અંજનાબેને જણાવ્યું હતું કે, 2001માં તેણે લવમેરેજ કર્યા હતા. સંતાનમાં બે પુત્રની પ્રાપ્તી થઈ હતી. હાલ જયાં રહે છે તે ફલેટ લેવા માટે પતિએ 2014ની સાલમાં રૂ.13 લાખની મોર્ગેજ લોન બેન્કમાંથી લીધી હતી. જેના હપ્તા હજુ ચાલુ છે. પતિ સાથે અવાર- નવાર મતભેદ અને મનભેદ થતાં હોવાથી 2021માં છૂટાછેડા લીધા હતા. તે વખતે મોટો પુત્ર પતિ સાથે જયારે નાનો પુત્ર તેની સાથે રહેશે તેવી સમજૂતિ થઈ હતી. એટલું જ નહીં તેના અને પુત્રના આજીવન ભરણપોષણ માટે રૂ.15 લાખ પતિ તેને ચૂકવી આપશે તેવું પણ નકકી થયું હતું.

જેથી પતિએ ફલેટ ઉપર બીજી રૂ.12.98 લાખની ટોપ અપ લોન લીધી હતી. જે રકમ ભરણપોષણ માટે આપી, મ્યુચ્યુઅલ ફંડની સ્કિમોમાં રોકાણ કરાવ્યું હતું. જેના વ્યાજમાંથી તેને ઘર ચલાવવાનું હતું. આ ઉપરાંત હાલ જયાં રહે છે તે ફલેટમાંથી તેનો અનડિવાઈડેડ 50 ટકા હિસ્સો તેના પતિની તરફેણમાં રીલીઝ દસ્તાવેજથી જતો કરવાનો હતો.

પરંતુ તેમ થયું ન હતું. જેને કારણે લોન ભરપાઈ કરવામાં તેનું નામ પણ રહી ગયું હતું. 2021માં છૂટાછેડાનો સમજૂતિ કરાર થયો હતો. જેમાં તેણે સમજૂતિ મુજબ હાલ જયાં રહે છે તે ફલેટમાંથી તેનો હકક સ્વેચ્છાએ જતો કર્યો હતો. તે વખતે એવું પણ નકકી થયું હતું કે તેણે બીજા લગ્ન કર્યા ન હોવાથી બંને પુત્રો તેની સાથે રહેશે. જો તે બીજા લગ્ન કરે તો હાલ જયાં રહે છે તે ફલેટ ખાલી કરી આપવાનો રહેશે. કારણ કે તે ફલેટ તેના પતિની માલીકીનો છે. એટલું જ નહીં ફલેટ પરના લોનના હપ્તા ભરવાની સંપૂર્ણ જવાબદારી તેના પતિની હતી. જો પતિ લોનના હપ્તા ન ભરે તો તેની બીજી મિલ્કત વેચીને હપ્તા ભરવા પડશે તેવું સમજૂતિ કરારમાં લખાયેલું હતું. છૂટાછેડાના એકાદ વર્ષ બાદ તેના પતિએ લોનના હપ્તા ભરવાનું બંધ કરતા તેને બેન્કમાંથી નોટિસ આવી હતી. જેથી પતિની મંગળા રોડ પર આવેલી દુકાને રજૂઆત કરવા જતાં પતિએ કહ્યું કે હવે હું હપ્તા નહીં ભરું, થાય તે કરી લેજે, બેન્કને મકાન સોંપી દેજે, મેં બીજા લગ્ન કરી લીધા છે.

આ દરમિયાન તેના નણંદ અને સાસુએ પણ એક રૂપિયો નહીં મળે તેમ કહી દીધું હતું. હવે બેન્ક લોનના હપ્તા માટે તેને રિકવરીની નોટિસો આપતી હોવાથી હેરાન થઈ ગયા છે. તેના નણંદ એકતા (રહે. ગાયકવાડી શેરી નં.6) ખાનગી બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. જેથી તેના પતિને લોન બાબતે સંપૂર્ણ જાણકારી હતી કે પોતે લોનના હપ્તા નહીં ભરે તો તેના વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય.

છ માસ પહેલાં બેંકે લોન એકાઉન્ટ એનપીએ કર્યું: સંબંધી વ્હારે આવતાં મકાન સીલ થતાં બચી ગયું
નાગેશ્વરમાં રહેતાં અંજનાબેનના પૂર્વ પતિએ તેની સાથે બેંકમાં લોન લઈ ફ્રોડ આચરતાં તેણી કફોડી સ્થિતિમાં મુકાયા હતાં. છ માસ પહેલાં તેના પતિએ લોન ભરવાનું બંધ કરી દેતા બેંક દ્વારા લોન એકાઉન્ટ એનપીએ કરવામાં આવ્યું હતું અને તે મામલે તેણીએ તેના પૂર્વ પતિએ જાણ કરતાં તેમને મારમાર્યો હતો. તેમજ બેંક દ્વારા મકાનને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સબંધીઓ વ્હારે આવી ચાર લાખ જેવી રકમ ભરી દેતાં મકાન સીલ થતાં અટક્યું હતું.

♦ ફરિયાદ નોંધ્યા બાદ આરોપી સામે ગાંધીગ્રામ પોલીસે લાજ કાઢી: તપાસકર્તા રજા પર ઉતરી ગયા
ડીજીપી સુધી અરજી કર્યા બાદ એડી. પોલીસ કમિશ્નરના હુકમથી ગાંધીગ્રામ પોલીસે મહિલાની ફરિયાદ તો નોંધી હતી. પરંતુ આરોપીને પકડવા જાણે સ્ટાફે લાજ કાઢી હોય તેમ પકડથી દૂર રાખ્યો હતો અને અરજદારે તપાસકર્તા પીએસઆઈનો સંપર્ક સાધતાં તેઓ રજા પર ઉતરી ગયાનું જાણવા મળતા ફરીવાર અરજદારને ધક્કે ચડાવવાનું ચાલુ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

સાત મહિનાથી મહિલાને ગાંધીગ્રામ પોલીસે ધક્કે ચડાવ્યા, ડીજીપી સુધી રજુઆત બાદ ફરિયાદ નોંધી
સાત મહિના પહેલાં પૂર્વ પતિ દ્વારા છેતરપીંડીનો ભોગ બનનાર મહિલાને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફે ફરિયાદ લેવા મામલે ધક્કે ચડાવ્યા હતાં. હદ તો ત્યાં સુધી થઈ જ્યારે પોલીસ કમિશ્નરે ફરિયાદ નોંધવાનું કહ્યા બાદ પણ તેઓ ગુનો ન નોંધવા અડગ રહ્યા હતાં. તેઓને આરોપીની કોઈ ઓથ નડતી હતી કે બીજું કંઈ એ તો તે જ જાણે પરંતુ કંટાળેલ મહિલાએ અંતે રાજ્ય પોલીસ વડાને અરજી કર્યા બાદ ગૃહમંત્રીને રજુઆત કરવાનું કહેતાં ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી હોવાનું અરજદારે જણાવ્યું હતું.