રિપોર્ટ@રાજકોટ: મહિલાનું 1.18 લાખની મતા ભરેલું પર્સ તસ્કારોએ ચોર્યું

 તેમના બહેનના ઘરે આવ્યા હતા
 
રિપોર્ટ@રાજકોટ: મહિલાનું 1.18 લાખની મતા ભરેલું પર્સ તસ્કારોએ ચોર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  અમદાવાદથી રાજકોટ બહેનના ઘરે આવેલા મહિલાનું રૂ.1.18 લાખની મતા ભરેલું પર્સ તેમજ બેડી ગામે એક સાથે ત્રણ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દસ હજારની રોકડ ચોરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઇ જીઠરા નામના વિધવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તા.19ના રોજ રાજકોટ રહેતા બહેનના ઘરે અમદાવાદથી આવી હતી. રાજકોટ આવ્યાના બીજા દિવસે ગોંડલ દેવદર્શન કરવા ગઇ હતી.

એક દીકરીને રાજકોટ પરણાવેલી છે. જમાઇ અમદાવાદ નોકરી કરતા હોય રજાના દિવસોમાં તેઓ રાજકોટ આવી જાય છે. જેથી તા.24ની સવારે દીકરીના ઘરે ગઇ હતી. સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતે એક રેક્ઝિનની બેગમાં પર્સ કે જેની અંદર બે તોલાનો સોનાનો ચેઇન, મોબાઇલ, રોકડા રૂ.1 હજાર મળી કુલ રૂ.1.18 લાખની મતા હતી તે મુકી બહેનના ઘરે જવા રિક્ષામાં નીકળી હતી.

રિક્ષામાં મવડી ચોકડી ઉતરી ત્યાં ભરાતી શાક માર્કેટમાંથી શાકભાજીની ખરીદ કરી હતી. બાદમાં બહેનના ઘરે જતી વેળાએ સમય જોવા માટે બેગમાંથી પર્સ કાઢવા જતા પર્સ ગાયબ હતું. તુરંત દીકરી-જમાઇને ફોન કરી બનાવની જાણ કરી હતી. બાદમાં માલવિયાનગર પોલીસ દોડી ગયા હતા. જ્યા પીએસઆઇ એસ.એ.સિંધિએ ફરિયાદ નોંધી શાક માર્કેટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરવા તપાસ શરૂ કરી છે.

બીજો બનાવમાં રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા બેડી ગામે ગત તા.21ની રાત્રીના જય ખોડિયાર ડ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાન, ધવન ઇલેકટ્રોનિકસની દુકાન તેમજ પિતૃકૃપા વેલ્ડિંગ વર્કસ નામની દુકાનના શટર ઊંચકાવ્યા હતા.

ત્રણેય દુકાનમાંથી 5 હજાર, 3 હજાર અને બે હજાર મળી કુલ રૂ.10 હજારની રોકડનો હાથફેરો કરી ગયા હતા. પોલીસે બેડી ગામે રહેતા હાર્ડવેરના વેપારી હિતેશભાઇ પરસોતમભાઇ દોમડીયાની ફરિયાદ નોંધી છે.