રિપોર્ટ@રાજકોટ: સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.26.70 લાખની મત્તા ચોરી 2 શખસ ફરાર

પરિવાર ભાઈબીજના દિવસે મોટા વડાળામાં રહેતા બહેનના ઘરે ગયો હતો
 
રિપોર્ટ@રાજકોટ: સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.26.70 લાખની મત્તા ચોરી 2 શખસ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં શહેરના મવડી વિસ્તારમાં રહેતો પરિવાર ભાઈબીજના દિવસે મોટા વડાળામાં રહેતા બહેનના ઘરે ગયો હતો. ત્યારે ચોર આ ઘરની દિવાલ ટપી અંદર ઘૂસ્યા હતા અને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.26.70 લાખની માલમતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.પોલીસે કરેલી તપાસમાં ચોરી થઈ તે ઘરની સામેના સીસીટીવીમાં 2 શખસ રાત્રિના સમયે બંધ ઘરમા જતા દેખાય છે. તેમના ચહેરાઓ સ્પષ્ટ ન હોવાથી આ ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મુશ્કેલ બની ગયો છે.

જયશ્રીબેને જણાવ્યું હતું કે, 23મીએ સવારે 9 વાગ્યે મોટા વડાળા ગામે દીકરીના ઘરે ગયા હતા. ત્યારબાદ 24 મીએ રાત્રે 10 વાગ્યે આવ્યા હતાં. મુખ્ય દરવાજામાં ચાવી લઈને ખોલવા જતા હતા, ત્યાં જ ખ્યાલ આવ્યો કે દરવાજો ખુલ્લો છે. જેથી ખ્યાલ આવી ગયો કે ચોર આવ્યા લાગે છે. જે બાદ અમે ઘરમાં જોયું તો ઘરના અલગ-અલગ લોકો તૂટેલા હતા અને તેમાં 23 તોલા સોનું અને રૂપિયા 2 લાખની રોકડ ચોરાઈ ગઈ છે. ઘરમાં પણ સીસીટીવી રાખવા જોઈએ અને કોઈ પણ ઘરેણું ઘરમાં રાખવા જેવું નથી.

રાજકોટ તાલુકા પોલીસ મથકમાં 31 વર્ષીય ચિરાગભાઈ અશોકભાઈ મેઘાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મવડીના જય સરદાર ચોક પાસે નારણ પાર્કની સામે કે. ડી. પાર્ક શેરી નંબર 1માં ઘર આવેલું છે અને કલરનો શો રૂમ છે. જેઓ પરિવાર સાથે ગત 23 ઓક્ટોબરના સવારે 9 વાગ્યે મોટા વડાળામાં ભાઈબીજના દિવસે બહેનના ઘરે ગયા હતા અને બાદમાં 24મી ઓક્ટોબરના રાત્રે પરત ઘરે આવ્યા હતા તો જોયું કે ચોર ચોરી કરી ગયા હતા.

ફરિયાદીના ઘરની દિવાલ ટપી ચોર અંદર ઘૂસ્યા હતા, જે બાદ મુખ્ય દરવાજાનો લોક તોડી પ્રવેશ કર્યો હતો. બાદમાં અલગ અલગ રૂમના કબાટના લોકર તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જેમાં રૂપિયા 2 લાખની રોકડ અને દાગીના સહિત રૂ.26.70 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે ચોરી કરતા અજાણ્યા શખ્સોએ ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.