રિપોર્ટ@રાજકોટ: પાણીપુરી ખાવા ગયેલી મહિલાનું માથું છૂંદી હત્યા, જાણો સમગ્ર બનાવ

ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે.
 
રિપોર્ટ@રાજકોટ: પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા, જાણો સમગ્ર બનાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સ્નેહાબેનની તેઓના ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. ગઈકાલે સાંજે પોતાના પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, કહી ઘરેથી નીકળ્યાં હતાં અને બાદમાં પરત ફર્યા જ નહોંતાં. જે બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને DCP ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હત્યા કોણે કરી તે હજુ અકબંધ છે, ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ મામલે ACP બી. વી. જાધવે જણાવ્યું કે, શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અવાવરું જગ્યામાં 33 વર્ષીય મહિલા સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા કરી હત્યા કરી નાખવામાં આવી છે. હાલમાં ફરિયાદ લેવાની તેમજ પંચનામુ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. મહિલાની સ્થળે જ હત્યા કરવામાં આવેલી છે.

મહિલાના પતિ હિતેશભાઈ આસોડિયાએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ ગઈકાલે રાત્રે મને ફોન કરી કહ્યું હતું કે પાણીપુરી ખાવા જાઉં છું. ઘરની આગળના ચોકમાં પાણીપુરી ખાવા જાય છે અને મને એમ પણ કહ્યું હતું કે, મને ત્યાંથી તેડતા જજો. જેથી હું બહારથી ઘરે આવતો હતો, ત્યારે ત્યાંથી નીકળ્યો પરંતુ મારી પત્ની મને ક્યાંય ન મળી. જે બાદ હું ઘરે આવ્યો ત્યારે ઘરની લાઈટ ચાલુ હતી. લોક ખોલ્યા બાદ હું અંદર ગયો તો તેનો મોબાઈલ પણ ચાર્જિંગમાં પડેલો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારે નાના-મોટા ઝઘડો થતા હતા, પરંતુ આવો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારી પત્નીનું મૃત્યુ થઈ જશે. મને માનવામાં આવતું નથી કે મારી પત્નીનું મૃત્યુ થયું છે. મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા છે અને હું મારા પત્ની અને પુત્ર સાથે અહીં રહું છું. મારો બે વર્ષનો પુત્ર શિવાંશ છે.

અહીં રહેતા એક સ્થાનિક અને પડધરી તાલુકાના થોરીયાળી ગામના સરપંચ મનોજ પેઢડિયાએ જણાવ્યું હતુ કે, અહીં પોપટ ગ્રીન સોસાયટીની બાજુમાં અવાવરું જગ્યા આવેલી છે, ત્યાં સ્ટ્રીટ લાઈટ નથી અને સીસીટીવી પણ નથી. આ રસ્તા પર દરરોજ યુવાનો રસ્તા વચ્ચે કેક કાપી બર્થડે ઉજવે છે અને કોઈ તેમને કંઈ કહે તો ઝઘડો કરે છે. અહીં લુખ્ખા તત્વોનો ખૂબ જ ત્રાસ છે. પોલીસનું પેટ્રોલિંગ પણ અહીં હોતું નથી. જેથી પોલીસ અને વહીવટી તંત્રને વિનંતી છે કે અહીં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે.