રિપોર્ટ@ગુજરાત: ખેડૂતો માટે 7 હજાર કરોડનું રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર થશે, 249 તાલુકાના ખેડૂતોને લાભ મળી શકે
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેના પગલે સરકાર દ્વારા ખેડૂતોને અપાનારા રાહત પેકેજની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. એક અંદાજ મુજબ આ રાહત પેકેજ 7000 કરોડ રૂપિયાથી વધુનું હોઇ શકે છે. રાહત પેકેજ અંગે આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ વખતે 249 તાલુકાના 16387 ગામોમાં પાકનું ધોવાણ થયાની શક્યતા છે. જેમાં અંદાજિત 10 લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક સાફ થઇ ગયો છે. માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં 2000 કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવાયો હતો પરંતુ જેમ સર્વે થતો ગયો તેમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે બિન સત્તાવાર નુકસાનીનો આંકડો અધધ એટલે કે 10 હજાર કરોડથી વધુનો મુકાઇ રહ્યો છે. એક અંદાજ મુજબ કુલ 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં વ્યાપક નુકસાન છે.
માવઠાના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે સરકારે 4800 જેટલી ટીમોને કામે લગાડી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી. ત્યાર બાદ ટોચના અધિકારીઓ સાથે મિટિંગોનો દૌર ચલાવ્યો હતો. ગઇકાલ સુધીમાં જ 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઇ ગયો હતો. મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો કે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરો જેથી તુરંત જ રાહત પેકેજ જાહેર કરી શકાય. જેથી એવી ધારણા છે કે આજ સાંજ સુધીમાં બાકી રહેલા 30% વિસ્તારોમાં પણ પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવાશે.
માવઠાની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઇ છે. મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયુ છે. એક અંદાજ મુજબ માત્ર મગફળીના પાકને જ 3000 કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત કપાસને પણ 1000 કરોડથી વધુ નુકસાની થયાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
નુકસાનીના સર્વે માટે સરકારે કામગીરી હાથ ધરી ત્યારથી જ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના ધારસભ્યો અને આગેવાનો પણ આ રોષનો ભોગ બની રહ્યાં છે. ખેડૂતોની માગણી છે કે સર્વેનુ નાટક બંધ કરો અને અમને તુરંત જ પાક નુકસાનનું વળતર ચૂકવી દો એટલું જ નહીં ઘણા ખેડૂતો તો માગણી કરી રહ્યાં છે કે અમે લોકોએ બેન્કમાંથી લોન લઇને પાકનું વાવેતર કર્યું હતું. સરકાર અમારૂં દેવું પણ માફ કરી દે.
આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય ગામડાઓમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનુ માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. જેમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. જેનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઉપજ્યા નહોતા. આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોના આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે.
2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાઓનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાના 6112 ગામોમા પાકને નુકસાન થયું હતું. જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવી પડે તેમ છે.
ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારે પાક નુકસાનીની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી. જેમાં બિનપિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 12 હજાર રૂપિયાની સહાય નક્કી કરાઇ હતી. જ્યારે પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27500 રૂપિયાની સહાય જાહેર કરાઇ હતી. ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું. જે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા નક્કી કરાઇ હતી.
શે વ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે. કેમકે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધશે. જે સરકારને પોષાય તેમ નથી. આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય તેની મહત્તમ ભરપાઇ થઇ શકે તે રીતનું વળતર ખેડૂતોને મળે તેવું પેકેજ તૈયાર કરવું.
આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારને ચિંતા છે. કેમકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમા કદાચ આ રાહત પેકેજની કોઇ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય પણ ગામડાઓમાં તેની વિશેષ અસર થઇ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનુ તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે. જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઇ રહ્યું છે.

