રિપોર્ટ@જૂનાગઢ: ગૌચરની જમીન પરનાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગૌચર જમીન પરના ધાર્મિક દબાણને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી પોલીસની હાજરીમાં JCB મશીન દ્વારા કરવામાં આવી હતી, જેમાં મંદિરનું સ્ટ્રક્ચર અને ઝૂંપડી તોડી પાડવામાં આવ્યાં હતાં.
ગામના સરકારી રેકોર્ડ મુજબ, પલાસવામાં 110 હેક્ટર ગૌચર જમીન છે, જે માલઢોરને ચરવા માટે મહત્ત્વપૂર્ણ છે. સરપંચના પતિ ભરત સિદપરાએ જણાવ્યું હતું કે ગામમાં પશુધન વધારે હોવાથી ગૌચર જમીન પર દબાણને દૂર કરવું જરૂરી હતું.
ગૌરવપુરી બાપુએ એક વર્ષ પહેલાં વેલનાથપરાના કોળી સમાજના આમંત્રણથી આ જગ્યાએ સેવા-પૂજા શરૂ કરી હતી. બાપુએ દાવો કર્યો કે શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા સમયે ત્રણ ગામના લોકોની સંમતિ અને સરપંચની મંજૂરી મેળવી હતી. તેમ છતાં છેલ્લા ત્રણ માસથી સરપંચ દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર ઠાકોરે દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી. ત્રણ દિવસમાં બે નોટિસ બાદ સમયમર્યાદા પૂરી થતાં આજે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું.
ગૌરવપુરી બાપુએ આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું હતું કે તેઓ કલેક્ટરને રજૂઆત કરશે. બાપુએ દાવો કર્યો છે કે આ જમીન ગૌચરની નથી અને મંદિરની ગરિમા જળવાય એ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન TDO, તલાટી મંત્રી, તાલુકા પોલીસ સ્ટેશનના PSI અને ગ્રામપંચાયતના સરપંચ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઘટનાને લઈને ગામમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ ગૌચર જમીન પર દબાણ દૂર થવાથી પશુપાલકો ખુશ છે, તો બીજી તરફ ધાર્મિક સમુદાયમાં નારાજગી છે.