રિપોર્ટ@સાબરકાંઠા: ખેતરમાંથી ઝાડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા નજીક વહેતી હરણાવ નદીના પટ પાસે એક ખેતરમાંથી વહેલી સવારે એક યુવક અને એક યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડબ્રહ્મા નજીક સીમ વિસ્તારમાં આવેલા ખેડૂત શૈલેષભાઈ ડાહ્યાભાઈ ઠાકોરના ખેતરમાં આ ઘટના બની હતી . ખેડૂત શૈલેષભાઈ રોજની જેમ સવારે જ્યારે તેમના પરિવારજનો સવારે ભેંસો લઈને ખેતરે ગયા હતા. તે સમયે તેમણે ખેતરમાં લોકોની ભીડ જોઈ અને ઝાડ પર અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ લટકતા જોયા હતા. આ અંગે તેમણે તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી હતી.

ખેડબ્રહ્મા ટાઉન પોલીસ વિભાગ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી. હડાત સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

મૃતકોની ઓળખમાં મૃતક યુવક દીધિયા ગામના મિનેશ ખોખરીયા જેની હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતક યુવતી ચીખલા ગામની ભાણી હોવાનું જણાયું છે. યુવતી છેલ્લા ઘણા વર્ષોથી ચીખલા ખાતે તેમના મામાના ઘરે રહેતા હતા, જ્યારે તેમનું મૂળ વતન માકડ ચંપા છે.

સમગ્ર મામલે હાલ બંનેના મૃતદેહને પીએમ અર્થે લઇ જવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.