રિપોર્ટ@સાગબારા: મનરેગાના મસ્ટરો કાઢ્યાંને એક વર્ષે કરોડોના બીલો ઓનલાઇન થયા, તો મસ્ટરો વખતે મટીરીયલ પહોંચ્યું નહોતું?

એજન્સીઓના ટેન્ડર સહિતની બાબતોની ચકાસણી
 
રિપોર્ટ@સાગબારા: મનરેગાના મસ્ટરો કાઢ્યાંને એક વર્ષે કરોડોના બીલો ઓનલાઇન થયા, તો મસ્ટરો વખતે મટીરીયલ પહોંચ્યું નહોતું?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાગબારા તાલુકામાં મનરેગાની શંકાસ્પદ ગતિવિધિ મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ 2021-22 માં શરૂ થયેલા અને મંજૂર થયેલા કામોના બીલો એક વર્ષ પછી ઓનલાઇન થયા હતા. હવે મટીરીયલ બીલો શક્ય બને કે, વિલંબથી ચડાવ્યા હોય પરંતુ જ્યારે લેબરોના મસ્ટરો કાઢ્યાં ત્યારે શું મટીરીયલ સ્થળ ઉપર પહોંચ્યું નહિ હોય ? આ સવાલ એટલા માટે કે, લેબરો કામો કરે ત્યારે માટી મેટલનુ મટીરીયલ તો સ્થળ ઉપર પહોંચવું પડે ને. તો આ મટીરીયલ શું જે તે સમયે નહિ પહોંચ્યું નહિ ? આ સાથે વર્ષ 2021-22 માં મંજૂર થયેલા કામોનું મટીરીયલ બીલ પણ વર્ષ 2021-22 માં ના હતી તે એજન્સીનુ છે. આવી સ્થિતિમાં સાગબારા તાલુકામાં મનરેગાના કામોની સરકારના હિતમાં તપાસ કેમ જરૂરી નહિ તે સવાલ ઉભો થયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.


નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વર્ષ 2021--22 દરમ્યાન મનરેગા હેઠળ મટીરીયલ એજન્સી પસંદ કરી તેને મંજૂરી અપાઇ હતી. તે વખતની મટીરીયલ એજન્સીના કોન્ટ્રાક્ટ દરમ્યાન એટલે કે વર્ષ 2021-22 દરમ્યાન માટી મેટલના અનેક કામોની વહીવટી મંજૂરી મળી અને પછી મસ્ટરો કાઢી કામો પણ શરૂ થયા હતા. હવે અહીંની ઉભા થાય છે ગંભીર સવાલો. જો આ કામોના મસ્ટરો કાઢ્યાં હતાં ત્યારે સ્થળ ઉપર મટીરીયલ તો ગયું હોય અને રેકર્ડ ઓનલાઇન કર્યું હોય. જોકે પરિસ્થિતિ એવી મળી છે કે વર્ષ 2021-22 ના કામોના બીલ વર્ષ 2023 પૂર્ણ થવાના સમયે ઓનલાઇન કર્યા અને પેમેન્ટ પણ ત્યારે કર્યું. આ પેમેન્ટમાં જે બીલો છે તે વર્ષ 2021-22 માં મટીરીયલ એજન્સી હતી તેના બીલો પણ નથી. એટલે સવાલ એ ઉભો થાય કે, આ કરોડોના કામોના મસ્ટરો, મટીરીયલ બીલો, એજન્સીઓના ટેન્ડર સહિતની બાબતોની ચકાસણી સરકારના હિતમાં અગત્યની બની છે.

કેવી રીતે તપાસ થઇ શકે?

કેટલાક મહિના અગાઉ ગાંધીનગરથી ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની સ્પેશિયલ ટીમ આવી હતી અને આ ટીમે સ્વચ્છ ભારત મિશન હેઠળના કામોની ગેરરીતિ પકડી રીપોર્ટ આપ્યો હતો. આ રીપોર્ટ આધારે 2 ટીડીઓ સહિત 20થી વધુ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આથી જો સાગબારા તાલુકામાં ગાંધીનગરથી મનરેગાની સ્પેશિયલ ટીમ વર્ષ 2021-22 અને 2022-23 ના કામોના તમામ મસ્ટર, જોબકાર્ડ ધારકોના શ્રમ દિવસો, લેબર ખર્ચ, બંને વર્ષના કામોની વહીવટી તાંત્રિક મંજૂરી, બંને વર્ષના મટીરીયલ ટેન્ડરો, મટીરીયલ બીલો, પેમેન્ટની વિગતો, સ્થળ ઉપર કામોની સ્થળ સ્થિતિ સહિતની ચકાસણી કરે તો પારદર્શક રીપોર્ટ તૈયાર થઈ શકે છે. આ રીપોર્ટ સૌથી મહત્વનો સાબિત થઈ શકે તેમ જાણકારોએ જણાવ્યું હતુ.