રિપોર્ટ@ભાવનગર: બજારોમાં તલસાની, ખજૂરપાક, સીંગ બરફી, સિંગપાક અને અડદિયો જેવી પરંપરાગત શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ શરૂ

વેપારીઓએ નફાનું ધોરણ ઘટાડી ગયા વર્ષનો જ ભાવ રાખ્યો
 
રિપોર્ટ@ભાવનગર: બજારોમાં તલસાની, ખજૂરપાક, સીંગ બરફી, સિંગપાક અને અડદિયો જેવી પરંપરાગત શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બજારોમાં તલસાની, ખજૂરપાક, સીંગ બરફી, સિંગપાક અને અડદિયો જેવી પરંપરાગત શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કાચા માલના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારોએ નફાનું ધોરણ ઘટાડીને ગ્રાહકો માટે ગયા વર્ષના ભાવે જ આ ચીજોનું વેચાણ ચાલુ રાખ્યું છે. લોકો પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે આ પૌષ્ટિક શિયાળુ વાનગીઓની ખરીદી કરી રહ્યા છે.

ભાવનગરમાં દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે પોતાના રોજિંદા આહારમાં પણ પરિવર્તન કરતા હોય છે. ત્યારે દર વર્ષે શિયાળામાં શરીરને ગરમી સાથે યોગ્ય પોષણ આપતા શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓ એટલે કે સિંગપાક, તલની સાની, ખજૂરપાક, સિંગબરફી અને દાળીયાના લાડુની માગ વધુ રહેતી હોય છે. ત્યારે ભાવનગરના આંગણે બનતા શિયાળુ ખાદ્ય વસ્તુઓની બહોળી માગ રહે છે. લોકો પોતાના ઘરોમાં પણ અને ગૃહ ઉદ્યોગ દ્વારા પણ શિયાળુ ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. લોકો સૌથી વધારે સિંગપાક તલસાની, સિંગની બરફી, અને અડદિયો વધુ પ્રમાણમાં ખરીદતા અને આરોગતા હોય છે.

દર વર્ષે શિયાળુ ખાદ્યવસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે પણ કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારો દ્વારા નફાનું ધોરણ ઘટાડીને ગયા વર્ષના ભાવે જ અલગ અલગ પ્રકારના સિંગપાક, તલસાની, ખજૂરપાકો સહિતની શિયાળુ ખાદ્યચીજોનું વેચાણ કરી રહ્યા છે.

ભાવનગર શહેરમાં વર્ષોથી તલમાંથી બનતી સાનીની માગ વધારે રહે છે. ભાવનગરની તેલ ઘાણીમાંથી તૈયાર થતી સાનીની ખુબ બોલબાલા રહી છે. પેઢી દર પેઢી ચાલ્યા આવતા સાનીના વેપારમાં આજે પણ લોકોમાં તેલઘાણીની સાનીની માગ સૌથી વધુ જોવા મળી રહી છે. તલની સાનીની સાથે હવે તો ખજૂરની સાની પણ લોકોના આરોગ્યને આકર્ષી રહી છે.

આ અંગે વેપારી ભરતભાઈ સરવૈયા જણાવ્યું હતું કે, 45થી 50 વર્ષથી અમે ધંધો કરીએ છીએ અને અમારી ત્રણ પેઢીનો ધંધો છે. બોર તળાવ વિસ્તારમાં આવેલી લાલ ટાંકી વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ઉભો રહું છું. તલ વરસાદના કારણે બળી ગયા, સીંગ બળી ગઈ એટલે એના કારણે બધી મોંઘવારી વધી છે બાકીનું એવું જ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંગપાક 200 રૂપિયા કિલો, સિંગ બરફી 200 રૂપિયા કિલો, કાળા તલની સાની 280 રૂપિયા કિલો, સફેદ તલની સાની 240 રૂપિયા કિલો, ખજૂર પાક 280 રૂપિયા કિલો, મમરાના લાડુ 20 નંગના 20 રૂપિયા, દાડિયાના લાડુ 200 રૂપિયા કિલો, તલના લાડુ 280 રૂપિયા કિલો, સિંગલાડુ 200 રૂપિયા કિલો આ સહિતની દરેક વસ્તુઓ અમારી ત્યાંથી મળી રહે છે. ભાવમાં વધારો તો વધારે છે પણ અમે નથી રાખ્યો અમે મીડિયમ ભાવ રાખ્યો છે કારણ કે અમારા ગ્રાહકને સરેરાશ બધું વ્યવસ્થિત મળી રહે.

આ વખતે સિઝનની એટલી બધી ખાસ શક્યતા નથી રાખવાની કેમકે ઠંડીનું પ્રમાણ ઓછું છે ગયા વખતે બહુ સારું હતું આ વખતે થોડુંક ડીમ પડે છે કેમકે ઠંડી નથી પડતી બફારાની અસર વધારે છે. આ વખતે મંદીનો માહોલ બહુ જ છે કેમકે કોઈપણ ઉદ્યોગ ચાલુ નથી થયા. હીરામાં રત્નકલાકારો બેકાર બની રહ્યા છે એટલે એમના કારણે બધું વેપાર ધંધામાં થોડુંક મુશ્કેલી પડશે.