રીપોર્ટ@નર્મદા: કેનાલ અંગે ચોંકાવનારી ઘટના, પાણીની જરૂર છતાં ખેડૂતોએ કર્યો સરકારના હિતમાં મોટો ઘટસ્ફોટ

જરૂરી કામ ચાણસ્મા નર્મદા ઓફિસે હાથ ધર્યું છે
 
રીપોર્ટ@નર્મદા: કેનાલ અંગે ચોંકાવનારી ઘટના, પાણીની જરૂર છતાં ખેડૂતોએ કર્યો સરકારના હિતમાં મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ અંગે તમે શોધો એટલા સમાચાર, સમસ્યા મળી રહે તેવી મોકળાશ છે. જોકે હારીજ તાલુકાના ગામમાંથી એક અરજીથી ચોંકાવનારી હદે અને માથું ખંજવાળવુ પડે તેવી નોબત બની છે. પાણી માટે સતત ચિંતામાં રહેતાં ખેડૂતો કેટલા હદે ત્રાહિમામ્ થયા કે, હવે પાણી વિના ચાલશે પરંતુ સરકારનું અહિત નથી થવા દેવું. ઘણીવાર સિંચાઇના કામો કરાવવા છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડે ત્યારે કામ મંજૂર થતાં હોય પરંતુ મુજપુર ગામના ખેડૂતોએ સરકારના હિતમાં સિંચાઇના વિકાસના કામમાં સ્ટે આપવા માંગ કરવી પડી છે. ગામના ખેડૂતોનો દાવો છે કે, માઇનોર - 2 કેનાલ બની ત્યારથી પાણી નથી જોયું જ્યારે આ તરફ ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરો દાવો કરે છે કે, તે કેનાલના અડધા નેટવર્કમાં પાણી પહોંચી રહ્યું છે. હવે તમે જાણીને ચોંકી જશો કે, કેમ ખેડૂતો સરકારના હિતમાં જંગે ચડ્યા અને નર્મદા કેનાલના ઈજનેરોના કામો અંગે કેવો કર્યો ઘટસ્ફોટ તે સમજીએ.

રીપોર્ટ@નર્મદા: કેનાલ અંગે ચોંકાવનારી ઘટના, પાણીની જરૂર છતાં ખેડૂતોએ કર્યો સરકારના હિતમાં મોટો ઘટસ્ફોટ


ચાણસ્મા ખાતે નર્મદા કેનાલની જે ઓફિસ આવેલી છે તેના હેઠળ હારીજ તાલુકાના મુજપુર વિસ્તારમાં કેનાલનું નેટવર્ક છે. અહિંની માઈનોર-2 કેનાલ સહિતની સંબંધિત કેનાલમાં રીપેરીંગ સહિત જરૂરી કામ ચાણસ્મા નર્મદા ઓફિસે હાથ ધર્યું છે. સિંચાઇનું આ વિકાસનું કામ જોઈ ખુશ થવાને બદલે મુજપુરના ખેડૂતો મોટીસંખ્યામાં એકઠાં થઈ નારાજ થયા અને કરી દીધો મોટો ઘટસ્ફોટ અને રજૂઆત. ગામનાં ખેડૂત અતુલભાઇ દેસાઈએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો તેનાથી ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરો વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે‌. ગામના ખેડૂતોનો દાવો છે કે, વર્ષ 2012 દરમ્યાન માઈનોર-2 કેનાલ બની ત્યારથી સિંચાઇનું પાણી નથી આવ્યું. આથી જો પાણી આવવાનું જ નથી તો વારંવાર આ માઇનોર કેનાલમાં રીપેરીંગના ખર્ચા કેમ? આથી સદર કેનાલમાં રીપેરીંગ કે નવીનીકરણ સહિતની કામગીરી અટકાવવા માંગ કરી છે. હવે આ તરફ ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરનો સંપર્ક કરતાં વિગતો મળી એ પણ ચોંકાવનારી છે.

રીપોર્ટ@નર્મદા: કેનાલ અંગે ચોંકાવનારી ઘટના, પાણીની જરૂર છતાં ખેડૂતોએ કર્યો સરકારના હિતમાં મોટો ઘટસ્ફોટ


મુજપુર માઇનોર -2 કેનાલ શું વર્ષોથી સુકીભઠ્ઠ છે? સવાલ સામે નર્મદા ઓફિસના અંકિત પટેલે જણાવ્યું હતું કે, માઈનોર-2 ના સરેરાશ 4 કિલોમીટરના નેટવર્કમાં સરેરાશ 2 કિલોમીટરમાં પાણી પહોંચી રહ્યું છે. આ સાથે પાણી જતાં ફોટા હોવાનો પણ દાવો કરી દીધો તો સામે પાણીની સ્પષ્ટતા બાબતે અરજદાર અતુલ દેસાઈએ કહ્યું કે, મુજપુર ગામ આખું નર્મદા કેનાલના સિંચાઈના પાણીની વંચિત છે એટલે સરકારના હિતમાં ખોટા ખર્ચા ઉપર સ્ટે માંગ્યો છે. એક તરફ ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરો માઇનોર -2 માં પાણી જતું હોવાનો દાવો કરી આક્ષેપ પાયાવિહોણા ગણાવે છે તો સામે મુજપુર ગામનાં ખેડુતોનો સામૂહિક દાવો છે કે, વર્ષ 2012 માં કેનાલ બની ત્યારથી સિંચાઇનું પાણી જોયું જ નથી. આવી સ્થિતિમાં ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરોના દાવા અને અત્યાર સુધીના ખર્ચ સામે ગંભીર સવાલો ઉભા થાય છે. આથી હવે આગામી રીપોર્ટમાં પાણી ક્યારે ગયું કે નથી ગયું તેની સ્થળ સ્થિતિની તપાસ કરતો અહેવાલ સ્પેશિયલ રિપોર્ટમાં જાણીશું.