રિપોર્ટ@ગુજરાત: મહિલાને બાળકને જન્મ આપ્યો, તેના 2દિવસ બાદ ઈન્ટરવ્યુ માટે બોલાવતા ગુજરાત હાઈકોર્ટની GPSCને ફટકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
GPSC દ્વારા એક મહિલાને બાળકને જન્મ આપ્યો, તેના બે દિવસ બાદ ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવવામાં આવી. મહિલાએ આયોગને વિનંતી કરી કે, તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતા તેનો ઈન્ટરવ્યુ પાછો ઠેલવામાં અથવા તો તેને કોઈ વિકલ્પ પૂરો પાડે. આ મહિલાએ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ-2ની પોસ્ટ માટે પરીક્ષા આપી હતી અને લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયા બાદ તેને ઈન્ટરવ્યુ આપવાનો હતો.
આયોગ દ્વારા મહિલાની વિનંતી ફગાવી દેવામાં આવી. આ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને એવી ટકોર કરી કે, નિયમો માણસો માટે હોય છે કોઈ વસ્તુ માટે નહીં. અપવાદરૂપ આ પ્રકારના કેસમાં જીપીએસસીએ રાહત આપવી જોઈએ. આ મામલે કેસની વધુ સુનાવણી 19 જાન્યુઆરી પર ઠેલાઈ છે.
કોર્ટે આદેશમાં જણાવ્યું કે, અરજદાર જે એક મેરીટોરીયસ ઉમેદવાર હતો અને તે બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઈન્ટરવ્યુમાં હાજરી આપવા માટે શારીરિક રીતે સક્ષમ ન હતો. જ્યારે આવી પરિસ્થિતિમાં ઉમેદવાર દ્વારા વાજબી વિનંતી કરવામાં આવી હતી, ત્યારે GPSC ઈન્ટરવ્યુ પ્રક્રિયાને મુલતવી રાખે અથવા જો તે નિયમો દ્વારા માન્ય હોય તો ઓનલાઈન ઈન્ટરવ્યુ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરવો જોઈએ.